બંદૂકો, પાઇપ બોમ્બ, ISIS ધ્વજઃ અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સના આતંકી હુમલાખોરની ટ્રકમાંથી શું મળ્યું જાણો
વિશ્વભરમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાની સૌથી મોટી ઉજવણી માટે જાણીતી અમેરિકાની ન્યૂ ઓર્લિયન્સની બોર્બોન સ્ટ્રીટે નવા વર્ષે ભયાનક આતંકવાદ જોયો હતો. ન્યુ ઓર્લિયન્સના ફ્રેન્ચ ક્વાર્ટરમાં નવા વર્ષના દિવસે એક પિકઅપ ટ્રક ભીડમાં ઘૂસી ગઈ હતી, જેમાં 15 લોકો માર્યા ગયા હતા અને 30 થી વધુ ઘાયલ થયા હતા. એફબીઆઈ આ હુમલાને આતંકવાદનું કૃત્ય માને છે અને જણાવે છે કે આ કોઇ એકલદોકલ વ્યક્તિનું કામ નથી. બુધવારે બોર્બોન સ્ટ્રીટ પર લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા. આ ઉપરાંત સુગર બાઉલ કૉલેજની ફૂટબોલ પ્લેઓફ રમત માટે પણ અહીં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે નવા વર્ષની ઉજવણી દરમિયાન એક ડ્રાઈવર પોલીસ નાકાબંધી તોડીને બોર્બોન સ્ટ્રીટની ભીડમાં પ્રવેશ્યો હતો અને લોકોને ટ્રક હેઠળ કચડી નાખ્યા હતા. આ હુમલામાં 15 લોકો માર્યા ગયા હતા , અને 33 જણ ઘાયલ થયા હતા. તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હુમલાખોર સાથેના ગોળીબારમાં બે પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા હતા પરંતુ તેમની હાલત સ્થિર છે.
જોકે, પોલીસ હુમલાખોરનું ઢીમ ઢાળવામાં સફળ રહી હતી. ત્યાર બાદ પોલીસે અને એફબીઆઇએ આ વિસ્તારની સઘન તપાસ હાથ ધરી છે. તેમને ફ્રેન્ચ ક્વાર્ટરમાં સત્તાવાળાઓને સંભવિત વિસ્ફોટક ઉપકરણો મળી આવ્યા છે. લ્યુઇસિયાના સ્ટેટ પોલીસના ઇન્ટેલિજન્સ બુલેટિન અનુસાર સર્વેલન્સ ફૂટેજમાં ત્રણ પુરુષો અને એક મહિલા ઘણા ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણ (આઇઇડી) મૂકતા જોવા મળ્યાહતા. એફબીઆઈએ ડ્રાઈવરની ઓળખ 42 વર્ષીય શમસુદ-દિન બહાર જબ્બાર તરીકે કરી છે. તે ટેક્સાસનો નાગરિક અને આર્મીનો અનુભવી છે.
વાહનના ટ્રેલર પર ઇસ્લામિક સ્ટેટ જૂથનો ધ્વજ હતો. બ્યુરો એ તપાસ કરી રહ્યું છે કે શું જબ્બાર કોઈ આતંકવાદી સંગઠનો સાથે સંબંધ ધરાવતો હતો. તેના વાહનમાંથી બંદૂકો અને પાઇપ બોમ્બ મળી આવ્યા હતા, જેને કૂલરની અંદર છુપાવવામાં આવ્યા હતા અને રિમોટ કંટ્રોલ વડે રિમોટ ડિટોનેશન માટે વાયર કરવામાં આવ્યા હતા, જે વાહનમાં પણ મળી આવ્યા હતા.
Also read:BREAKING: ન્યૂયોર્કના નાઈટક્લબમાં અંધાધુંધ ગોળીબાર; 11 લોકોને ગોળી મારી, 24 કલાકમાં ત્રીજી મોટી ઘટના
આવી જ ઘટના ગયા મહિને જર્મનીના મેગડેબર્ગમાં બની હતી, જ્યારે એક 50 વર્ષીય સાઉદી ડૉક્ટર વાહન સાથે ક્રિસમસ માર્કેટમાં ઘૂસી ગયો હતો, જેમાં ચાર મહિલા અને 9 વર્ષના છોકરાની હત્યા થઈ હતી. ન્યૂ ઓર્લિયન્સમાં થયેલો હુમલો સામૂહિક હિંસામાં શસ્ત્રો તરીકે ઉપયોગમાં લેવાતા વાહનોના વધતા જોખમને દર્શાવે છે, જેને કારણે કાયદા અમલીકરણ અધિકારીઓ વધુ ચિંતિત છે, કારણ કે આવા હુમલાઓ સામે રક્ષણ કરવું મુશ્કેલ છે.