'આ' દેશના બીચ પર બિકિની પહેરવા પર પ્રતિબંધ, જાણો ડ્રેસ કોડ અને તેના કારણો | મુંબઈ સમાચાર

‘આ’ દેશના બીચ પર બિકિની પહેરવા પર પ્રતિબંધ, જાણો ડ્રેસ કોડ અને તેના કારણો

સામાન્ય રીતે બીચ પર લોકો મોજમસ્તી માણવા જતા હોય છે, આવી જગ્યા પર કપડાને લઈ કોઈ પણ બંધન ન હોય. પરંતુ જો તમે સિરિયા ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો ચેતી જજો. કારણ કે સિરિયાના બીચ પર તમે તમારા મનપસંદ કપડા પહેરી શકશો નહીં. સિરિયા સરકારે જાહેર બીચ અને સ્વિમિંગ પુલ માટે નવો ડ્રેસ કોડ જાહેર કર્યો છે, જેમાં મહિલાઓએ બુર્કિની અથવા શરીરને ઢાંકી શકે એ પ્રકારના સ્વિમસૂટ પહેરવા ફરજિયાત કરાયા છે.

પર્યટન મંત્રાલયે આ નિર્ણયને જાહેર હિત અને સમાજની લાગણીઓનું સન્માન કરવા માટે લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું. નોંધનીય બાબત એ છે કે આ નિર્ણય માત્ર મહિલાઓ માટે બનાવવામાં આવ્યો નથી. આ નિર્ણયની અસર પુરુષો પર પણ થશે. આ નિર્ણયની ચર્ચા હાલ વૈશ્વિક સ્તરે થઈ રહી છે.

પર્યટન મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મહિલાઓએ જાહેર બીચ અથવા પુલમાં બુર્કિની કે શરીરને વધુ ઢાંકનારા સ્વિમવેર પહેરવા પડશે. બીચથી અન્ય સ્થળે જતી વખતે સ્વિમસૂટ ઉપર કવર-અપ પહેરવું ફરજિયાત છે.

પુરુષોને પણ સ્વિમિંગ એરિયા, હોટેલ લોબી અને ડાઇનિંગ ઝોન સિવાયના જાહેર સ્થળોએ શર્ટ પહેર્યા વિના ફરવામાં પ્રતિબંધ મૂકાયો છે. આ નિયમોનું પાલન લાઇફગાર્ડ્સ અને બીચ સુપરવાઇઝર્સ દ્વારા કરાવવામાં આવશે, જોકે ઉલ્લંઘનની સજા શું હશે તે હજુ સ્પષ્ટ નથી.

ખાનગી બીચ, સ્વિમિંગ પુલ અને 4-સ્ટાર કે તેથી ઉપરની રેટિંગવાળી આંતરરાષ્ટ્રીય હોટેલોમાં બુર્કિની સહિત પશ્ચિમી શૈલીના સ્વિમવેરની મંજૂરી રહેશે. આ નિયમોનો અમલ લાઇફગાર્ડ્સ દ્વારા કરવામાં આવશે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના બળવા પછી સિરિયામાં સત્તા પર આવેલા અહેમદ અલ-શારાની વચગાળાની સરકારે દેશમાં સાંસ્કૃતિક પરિવર્તન લાવવાનો નિર્ણય લીધો છે. મહિલાઓના કપડાં સંબંધિત આદેશ પણ આનો એક ભાગ છે. HTS, જે અગાઉ અલ-નુસરા ફ્રન્ટ તરીકે ઓળખાતું હતું, અમેરિકા સહિત અનેક પશ્ચિમી દેશો દ્વારા આતંકવાદી સંગઠન ગણાય છે.

આ નવા નિયમો સિરિયાના સામાજિક અને રાજકીય ફેરફારોનો હિસ્સો છે, જે HTSના ઇસ્લામિક એજન્ડાને પ્રતિબિંબિત કરે છે. આ નિર્ણયથી પર્યટન અને સ્થાનિક સમુદાયો પર અસર પડી શકે છે, ખાસ કરીને જાહેર સ્થળોએ. આ નિયમો સિરિયાની સંસ્કૃતિ અને આધુનિકતા વચ્ચેના સંઘર્ષને પણ ઉજાગર કરે છે, જે વૈશ્વિક ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button