ન્યુરાલિંકનો ચમત્કાર: લકવાગ્રસ્ત દર્દીઓએ 20 વર્ષ બાદ મગજની શક્તિથી કમ્પ્યુટર કર્સર ફેરવ્યું

કેલિફોર્નિયા: એલન મસ્કની કંપની ન્યુરાલિન્ક કોર્પ ન્યુરોટેક્નોલોજી પર કામ કરે છે. 2016માં શરૂ થયેલી આ કંપનીએ 2024 સુધીમાં ઇમ્પ્લાન્ટેબલ બ્રેન-કમ્પ્યુટર ઇન્ટરફેસ વિકસીત કર્યા છે. તાજેતરમાં આ કંપનીને માનવ મગજમાં બ્રેન-કમ્પ્યુટર ઇન્ટરફેસ(બીસીઆઈ) ઇમ્પ્લાન્ટ કરવામાં સફળતા મળી છે. જેનો લકવાગ્રસ્ત દર્દીને ફાયદો થયો છે.
લકવાગ્રસ્ત દર્દીએ કર્યું હલનચલન
ન્યુરાલિન્ક કોર્પ કંપનીએ તાજેતરમાં બે વોલેન્ટિયર્સના માથામાં બ્રેન-કમ્પ્યુટર ઇન્ટરફેસ(બીસીઆઈ) ઇમ્પ્લાન્ટ કર્યા હતા. બંને વોલેન્ટિયર્સ લકવાગ્રસ્ત દર્દીઓ હતા. બીસીઆઈ ઇમ્પ્લાન્ટ કર્યા બાદ બંને દર્દીઓમાં રિકવરી જોવા મળી છે. ન્યુરાલિન્ક કોર્પ કંપનીએ આ અંગે એક્સ પર પોસ્ટ લખીને માહિતી આપી છે.
ન્યુરાલિન્ક કોર્પએ જણાવ્યું કે, “અમે P8 અને P9ની એક દિવસમાં બે સફળતાપૂર્વક સર્જરી કરી છે. ન્યુરાલિન્કની મદદથી લકવાગ્રસ્ત લોકોને ફાયદો થવાનું અનુમાન છે. તેઓ પોતાના વિચારવાની શક્તિથી કમ્યુટરના કર્સરને ફેરવી શકે છે.”
કેવી રીતે થઈ લકવાગ્રસ્તોની સર્જરી
P8 અને P9 પૈકીની P8 એ નિક રે નામનો પુરુષ તથા P9 એ એડ્રે ક્રેવ્સ(Audrey Crews) નામની મહિલા છે. યુનિવર્સિટી ઓફ મિયામી હેલ્થ સેન્ટરમાં બંનેના મગજમાં ન્યુરાલિંક ચિપસેટ ઇમ્પ્લાન્ટ કરવામાં આવી હતી. ચિપનું નાનકડા સિક્કા જેટલું હતું. ચિપસેટ ઇમ્પ્લાન્ટ કરવા માટે તેમની ખોપરીમાં એક નાનું છિદ્ર બનાવવામાં આવ્યું હતું. કામની ચોકસાઈ માટે રોબોટિક્સ સહાયકની મદદ લેવામાં આવી હતી. બંનેએ વોલેન્ટિયર્સે એક્સ પર ફોટો શેર કરીને પોસ્ટમાં પોતાની સર્જરી અને ત્યારબાદ પોતાનામાં આવેલી રિકવરી અંગે લખ્યું છે.
2005માં એડ્રે ક્રેવ્સનો કાર એક્સિડન્ટ થયો હતો. જેના કારણે તેના હાથનું હલનચલન બંધ થઈ ગયું હતું. ત્યારે તેની ઉંમર 16 વર્ષની હતી. 20 વર્ષ બાદ હવે તેને આશાનું કિરણ દેખાયું છે. એડ્રે ક્રેવ્સે એક્સ પર લખ્યું કે, “આ મારા કેટલાક ડૂડલ છે. હું રિક્વેસ્ટ લઈ રહી છું. કલ્પના કરો કે તમારી પોઈન્ટર આંગળી ડાબા ક્લિક પર છે અને કર્સર તમારા કાંડા પર છે. શારીરિક રૂપે કશું કર્યા વગર. ટેલીપથીના ઉપયોગ સાથે એક સામાન્ય દિવસ.”
આપણ વાંચો: યુનાઇટેડ એરલાઇન્સના વિમાનમાં ‘મેડે’ એલર્ટ: વોશિંગ્ટનથી ઉડાન ભર્યા બાદ એન્જિનમાં ખામી