શું Netflix-Warner Bros ડીલ થશે રદ્દ? આ કારણે ટ્રમ્પે હસ્તક્ષેપ કરવાની જાહેરાત કરી

વોશિંગ્ટન ડીસી: ઓનલાઈન સ્ટ્રીમિંગ જાયન્ટ નેટફ્લિક્સ જાણીતા હોલીવુડ સ્ટુડિયો વોર્નર બ્રધર્સના મૂવી સ્ટુડિયો અને HBO સ્ટ્રીમિંગ નેટવર્ક્સ ખરીદવા માટે $72 બિલિયનની ડીલ કરવા (Netflix-Warner Bros Deal) જઈ રહી છે. એવામાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સંભવિત સોદા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ટ્રમ્પ આ સોદામાં વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કરી શકે છે.
વોશિંગ્ટન ડીસીમાં આયોજિત કેનેડી સેન્ટર ઓનર્સ એવોર્ડ સમારોહ દરમિયાન એક નિવેદનમાં ટ્રમ્પે કહ્યું કે નેટફ્લિક્સ પાસે પહેલાથી જ બજારનો ખુબ મોટો હિસ્સો છે અને હવે આ સોદો એક સમસ્યા બની શકે છે.
નેટફ્લિક્સને ચેતવણી આપતા ટ્રમ્પે કહ્યું કે તેઓ આ સોદામાં વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કરશે.
કોમ્પિટિટર્સમાં ચિંતા:
નોંધનીય છે કે આ સોદાને કારણે હોલીવુડના અન્ય સ્ટુડિયો અને પ્રોડ્યુસર્સ ચિંતામાં છે અને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. શુક્રવારે, નેટફ્લિક્સ અને વોર્નર બ્રધર્સએ જણાવ્યું હતું કે તેમણે સોદાને અંતિમ રૂપ આપ્યું છે. પરંતુ કોમ્પીટીશન ઓફિસર્સે હજુ સુધી આ સોદાને મંજૂરી આપી નથી.
ટ્રમ્પે નેટફ્લિક્સના કો-સીઈઓ ટેડ સારાન્ડોસના વખાણ પણ કર્યા, ટ્રમ્પે કહ્યું “તેમણે ફિલ્મોના ઇતિહાસમાં સૌથી મહાન કાર્યો કર્યા.” ટેડ સારાન્ડોસે તાજેતરમાં વ્હાઇટ હાઉસની મુલાકાત લીધી હતી.
નેટફ્લિક્સ આ કન્ટેન્ટ પર અધિકાર મળશે:
જો સોદો સફળ થશે નેટફ્લિક્ને મોટા પ્રમાણમાં કન્ટેન્ટ પર અધિકાર મળી જશે, જેમાં હેરી પોટર સિરીઝની ફિલ્મો, મેટ્રીક્સ ફિલ્મ સિરીઝ, લોર્ડ ઓફ ધ રિંગ્સ અને ધી હોબિટ સાગા, ડીસી સ્ટુડિયોની બેટમેન, સુપરમેન, એક્વામેન, ફ્લેશ અને વન્ડર વુમન સહિતની સુપરહીરો ફિલ્મોનો સિરીઝનો સમાવેશ થાય છે. ગેમ ઓફ થ્રોન્સ, હાઉસ ઓફ ડ્રેગન્સ, લૂની ટ્યુન્સ જેવી HBOની લોકપ્રિય સિરીઝના અધિકાર પણ નેટફ્લિક્સને મળી જશે.
આ સોદા હેઠળ નેટફ્લિક્સને વોર્નર બ્રધર્સની ડિસ્કવરી અને CNN જેવી ટેલિવિઝન ચેનલો નહીં મળે, સોદાને અંતિમ સ્વરૂપ આપ્યા પહેલા આ ચેનલોને વોર્નર બ્રધર્સથી અલગ કરવામાં આવશે.
ટ્રમ્પના સંભવિત હસ્તક્ષેપ પાછળ આ કારણ પણ હોઈ શકે:
વોર્નર બ્રધર્સેની પેરેન્ટ કંપની વોર્નર બ્રધર્સે ડિસ્કવરીએ ઓક્ટોબરમાં વેચાણ માટે જાહેરાત કરી હતી. યુએસના જાયન્ટ કેબલ ઓપરેટર કોમકાસ્ટ અને મીડિયા ગ્રુપ પેરામાઉન્ટ સ્કાયડાન્સને પાછળ છોડીને નેટફ્લીક્સ આ સોદા સુધી પહોંચ્યું હતું.
નોંધનીય છે કે પેરામાઉન્ટના વડા ડેવિડ એલિસન ટ્રમ્પના મુખ્ય સમર્થક છે, એવા ટ્રમ્પે પોતે આ સોદામાં હસ્તક્ષેપ કરવાની જાહેરાત કરી છે.



