નેતન્યાહૂએ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા; કહ્યું દુનિયામાં ઘણા યુદ્ધો અટકાવ્યા

વોશિંગ્ટન ડી સી: ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાલ યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાતે છે. નેતન્યાહૂએ સોમવારે યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસમાં પ્રાઈવેટ ડીનર કર્યું હતું. આ દરમિયાન નેતન્યાહૂએ જાહેર કર્યું કે તેમણે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ (Netanyahu nominates Trump for Nobel Peace Prize) કર્યા છે.
વ્હાઇટ હાઉસ ખાતે એક બેઠક દરમિયાન ટ્રમ્પને નોમિનેશન લેટર સોંપતા નેતન્યાહૂએ કહ્યું, “હું તમને નોબેલ પુરસ્કાર સમિતિને મોકલવામાં આવેલો પત્ર રજૂ કરવા માંગુ છું. આમાં, તમને શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે, જેના તમે લાયક છો અને તમને તે મળવો જોઈએ.”
ટ્રમ્પે નેતન્યાહૂનો આભાર માન્યો:
નોંધનીય છે કે ટ્રમ્પ લાંબા સમયથી પોતાને એક ‘માસ્ટર પીસમેકર’ ગણાવી રહ્યા છે, તેઓ જાહેરમાં કહી ચુક્યા છે તેઓ નોબેલ શાંતિ પુરસ્કાર માટે હકદાર છે. નોમિનેશ લેટર જોઈને ખુશ થયેલા ટ્રમ્પે નેતન્યાહૂને કહ્યું,”તમારા તરફથી આ ખૂબ જ અર્થપૂર્ણ પગલું છે. તમારો ખૂબ ખૂબ આભાર.”
શાંતિ અને સુરક્ષા માટેના પ્રયાસ બદલ નેતન્યાહૂએ ટ્રમ્પના ભરપુર વખાણ કર્યા હતાં. તેમણે કહ્યું, “પડકારોનો સામનો કરવા અને નવી તકો ઉભી કરવા આપણી ટીમો સાથે મળીને અસાધારણ રીતે કામ કર્યું.”
આપણ વાંચો: અમેરિકાના ટેક્સાસમાં વરસાદે વિનાશ વેર્યો; ભયંકર પુરને કારણે 100 થી વધુ લોકોના મોત
ટ્રમ્પે પરમાણુ યુદ્ધ અટકાવ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “અમે ઘણા યુદ્ધો અટકાવ્યા છે, જેમાંથી સૌથી મોટું યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે હતું. ટ્રેડ ડીલનો ઉપયોગ કરીને અમે આ યુદ્ધ અટકાવ્યું. અમે ભારત અને પાકિસ્તાન સાથે કામ કરી રહ્યા છીએ. અમે કહ્યું હતું કે જો તમે યુદ્ધમાં જોડાશો તો અમે તમારી સાથે વેપાર નહીં કરીએ. બંને વચ્ચે પરમાણુ યુદ્ધ શરુ થઇ શકે એમ હતું, તેને રોકાવું મહત્વપૂર્ણ હતું.”