ઇન્ટરનેશનલ

નેતન્યાહૂને ધરપકડનો ડર! ન્યૂયોર્ક જવા માટે નેતન્યાહૂના વિમાને યુરોપનું એરસ્પેસ ટાળ્યું

ન્યુ યોર્ક: ગાઝામાં નિર્દોષ પેલેસ્ટિનિયન નગરિકોના નરસંહાર બદલ ઇન્ટર નેશનલ ક્રિમીનલ કોર્ટ(ICC)એ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ સામે અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે. ઘણાં દેશોએ નેતન્યાહૂની ધરપકડ માટે તૈયારી બતાવી છે. એવામાં ન્યૂ યોર્ક જતા સમયે નેતન્યાહૂનું વિમાન યુરોપના મોટાભાગના એરસ્પેસને ટાળીને ઉડ્યું હતુ, અહેવાલ મુજબ નેતન્યાહૂને ધરપકડનો ડર છે.

વોર ક્રાઈમ બદલ નેતન્યાહૂ સામે અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. ઇઝરાયલી વડાપ્રધાન તેના સત્તાવર વિમાન “વિંગ્સ ઓફ ઝાયોન” દ્વારા ગુરુવારે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બ્લીમાં હાજરી આપવા ન્યુ યોર્ક પહોંચ્યા હતાં, આ દરમિયાન વિમાને યુરોપિયન એરસ્પેસના અવગણ્યું હતું.

ICC સભ્ય યુરોપના ઘણા દેશોએ જાહેર કર્યું છે કે જો નેતન્યાહૂ તેમના પ્રદેશમાં પ્રવેશ કરશે તેમની ધરપકડ કરવામાં આવશે. ફ્લાઈટે લીધેલા રૂટને ધ્યાનમાં લેવામાં આવે તો જાણવા મળે છે કે ICC ના આદેશો પર કાર્ય કરવાનું વચન આપ્યું છે, એવ દેશોની એરસ્પેસથી વિમાનને દુર રાખવામાં આવ્યું હતું. આ દેશોના એરસ્પેસમાંથી પસાર થવા પર નેતન્યાહૂ વિમાનને લેન્ડીંગ કરવા માટે ફરજ પડી શકાય છે.

નેતન્યાહૂનું વિમાન યુરોપના દક્ષિણ તરફથી આગળ વધ્યું હતું, વિમાન ફક્ત ગ્રીસ અને ઇટાલીની સીમાઓ પાસેથી પસાર થઇને ભૂમધ્ય સમુદ્ર પાર કર્યો અને પછી જિબ્રાલ્ટર સ્ટ્રેટ દ્વારા એટલાન્ટિક મહાસાગર ઉપર આગળ વધ્યું, આ રીતે વિમાન યુરોપીય દેશો પરથી પસાર ન થયું.
સામાન્ય રીતે ઇઝરાયલથી યુનાઇટેડ સ્ટેટ્સ જતી ફ્લાઇટ્સ મધ્ય યુરોપ પરથી પસાર થતા ઝડપી અને સીધા રૂટ પર આગળ વધે છે. એવિએશન એક્સપર્ટના જણાવ્યા મુજબ ફ્લાઈટે લગભગ 600 કિલોમીટર વધુ કાપ્યા.

આયર્લેન્ડે જાહેર કર્યું છે કે જો નેતન્યાહૂ તેની ધરતી પર આવશે તો તમની ધરપકડ કરવામાં આવશે. સ્પેને નેતન્યાહૂ વિરુદ્ધ તપાસમાં સહકાર આપવાની ખાતરી આપી હતી.

ફ્લાઈટે લાંબો માર્ગ કેમ લીધો એ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button