ગાઝામાં નરસંહાર વચ્ચે નેતન્યાહૂ યુએસ પહોંચ્યા, ડોનાલ્ડને સાથે કરશે આ મુદ્દે વાત..

વોશિંગ્ટન ડીસી: હમાસ સાથે યુદ્ધ વિરામ કરાર સમાપ્ત થયા બાદ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ(IDF)એ 18 માર્ચથી ફરી ગાઝા પર હુમલા શરુ કર્યા છે. IDF સતત હુમલા કરીને ગાઝામાં બાળકો અને મહિલાઓ સહીત નિર્દોષ નાગરીકોની નિર્મમ હત્યા કરીને નરસંહાર કરી (Genocide in Gaza) રહી છે. ગઈ કાલે રવિવારે થયેલા હુમલામાં 32 પેલેસ્ટિનિયનોના મોત થયા. IDFએ ગાઝાના ખાન યુનિસમાં એક તંબુ અને એક ઘર પર રોકેટ વડે હુમલો કરીને એક જ પરિવારના પંદર સભ્યોની હત્યા કરી હતી. ગાઝામાં ભયાનક રક્તપાત ચાલી રહ્યો છે, એવામાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ યુએસ પહોંચ્યા (Benjamin Netanyahu in USA) છે, તેઓ આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)ને મળવાના છે.
અહેવાલ મુજબ આજે વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે બેઠક થશે. ટ્રમ્પના ત્રીજા કાર્યકાળ દરમિયાન નેતન્યાહૂની આ બીજી વ્હાઇટ હાઉસ મુલાકાત હશે. નેતન્યાહૂએ કહ્યું કે તેઓ ટ્રમ્પ સાથે ગાઝા યુદ્ધ અને ઇઝરાયલ પર લાદવામાં આવેલા નવા 17 ટકા ટેરિફ અંગે ચર્ચા કરશે.
ગાઝાનો સોદો થશે?
નોંધનીય છે કે ટ્રમ્પે તાજેતરમાં ગાઝાને કબજામાં લેવાની અને તેના પર વસાહતો સ્થાપવાની વાત કરી હતી. ટ્રમ્પની આ વાતને સમર્થન આપવા, નેતન્યાહૂએ એક ખાસ મંત્રીમંડળની રચના કરી છે જેનું કામ ફક્ત ગાઝા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. નિષ્ણાતો માને છે કે નેતન્યાહૂ યુએસ સરકાર દ્વારા લાદવામાં આવેલા ભારે ટેરિફમાંથી રાહત મેળવવા માટે અમેરિકા સાથે ગાઝાનો સોદો કરી શકે છે.
આ પણ વાંચો: ગાઝામાં ઇઝરાયેલી આર્મીનું ઘૃણાસ્પદ કૃત્ય; યુએનના 15 મેડિકલ કર્મચારીઓની નિર્મમ હત્યા, મૃતદેહો સાથે ક્રૂરતા
તાજેતરમાં ઇઝરાયેલમાં સંરક્ષણ પ્રધાને કહ્યું છે કે ઇઝરાયલ ગાઝાના મોટા વિસ્તારો કબજે કરશે અને તેમને તેના સુરક્ષા ક્ષેત્રમાં સામેલ કરશે.
બેઠક ખુબ મહત્વની રહેશે:
ઇઝરાયલથી અમેરિકામાં આયાત થતા સમાન પર 17 ટકાનો ભારે ટેરીફ લાદવામાં આવ્યો છે. નેતન્યાહૂને ટેરીફમાંથી મેળવવા ટ્રમ્પ સાથે વાત કરી શકે છે. ગાઝામાં બીજા યુદ્ધવિરામ, અમેરિકા દ્વારા ઇઝરાયલ પર લાદવામાં આવેલા ટેરિફ અને ઈરાન સાથે વધતા તણાવના સંદર્ભમાં આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ પણ વાંચો: ગાઝાની શાળા પર ઇઝરાયલના હુમલામાં ૨૭ જણનાં મોત…
ગાઝામાં પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. સતત બોમ્બમારા ઉપરાંત એક મહિનાથી ખાદ્યપદાર્થો, ફ્યુઅલ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો અટકાવી દેવામાં આવ્યો છે, અને લોકો ગંભીર માનવતાવાદી કટોકટીનો સામનો કરી રહ્યા છે.