કાઠમંડુમાં ફસાયેલા 123 ભારતીયોને સ્વદેશ લાવવાની હાથ ધરાઈ કાર્યવાહી…

નેપાળમાં તાજેતરની અશાંતિના કારણે કાઠમંડુના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ફ્લાઈટ સેવાઓ થોડા સમય માટે બંધ થઈ ગઈ હતી. આ ઘટનાના કારણે ઘણા ભારતીયોને નેપાળમાં ફસાઈ ગયા હતા.
જોકે, હવે હવાઈ મથક ફરીથી કાર્યરત થયું છે, અને ભારતીય નાગરિકોની વાપસીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ઘટના નેપાળની રાજકીય અને સામાજિક પરિસ્થિતિને લઈને વધુ ચર્ચામાં આવી છે.
બુધવારે કાઠમંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકથી એર ઈન્ડિયાની એક ફ્લાઈટ દિલ્હી માટે રવાના થઈ, જેમાં 123 ભારતીય યાત્રીઓ સવાર હતા. આ સાથે નેપાળમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઈન્ડિયા અને ઈન્ડિગોને વધારાની ફ્લાઈટ્સ ચલાવવાનો આદેશ આપ્યો છે, જેથી બધા ભારતીયો સુરક્ષિત રીતે વતન પરત ફરી શકે.

હવાઈ મથકોનું પુનઃસંચાલન
કાઠમંડુના હવાઈ મથક પર અસ્થાયી રોક બાદ હવે ફ્લાઈટ્સનું સંચાલન શરૂ થઈ ગયું છે. નેપાળ એરલાઈન્સે સૌથી પહેલી ફ્લાઈટ ઉડાવી, જ્યારે એર ઈન્ડિયાની ફ્લાઈટ સૌથી પહેલા ઉતરી.
હિમાલયન એરલાઈન્સ પણ ટૂંક સમયમાં પોતાની સેવાઓ શરૂ કરવા જઈ રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું કે નિયમિત ફ્લાઈટ્સ આવતીકાલથી શરૂ થશે અને એરલાઈન્સને ભાડું વાજબી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
નેપાળની સેનાએ કાઠમંડુ, લલિતપુર અને ભક્તપુર જિલ્લામાં નવા કર્ફ્યૂ અને નિષેધાજ્ઞા આદેશો લાગૂ કર્યા છે. આજ્ઞાઓ હેઠળ સવારે 10થી બપોરે 4 વાગ્યા સુધી જરૂરી કામો માટે મર્યાદિત અવરજવરની છૂટ આપવામાં આવશે.
જ્યારે સાંજે 5થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. હાલમાં નવી હિંસાના કોઈ સમાચાર નથી, પરંતુ અત્યાર સુધીની હિંસામાં 30 લોકોના મોત થયા છે. કર્ફ્યૂ શુક્રવાર સુધી લંબાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો…સુશીલા કાર્કીના હાથમાં આવશે નેપાળની કમાન? જાણો કોણ છે આ મહિલા