નેપાળમાં કાર્યકારી વડાપ્રધાન સુશીલા કાર્કીના મંત્રીમંડળનું વિસ્તરણ, ત્રણ મંત્રી શપથ લેશે…

કાઠમંડુ : નેપાળમાં ફાટી નીકળેલા હિંસક તોફાનો અને સંસદ ભંગ કર્યા બાદ વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. જેમાં નેપાળના કાર્યકારી વડાપ્રધાન તરીકે સુશીલા કાર્કીએ શપથ લીધા હતા.
જેની બાદ આજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. જેમાં રામેશ્વર ખનાલ, ઓમપ્રકાશ આર્યલ અને કુલમાન ઘીસીંગ મંત્રી તરીકે શપથ લેશે.

ત્રણે મંત્રીઓને અલગ અલગ વિભાગ સોંપાશે
સુત્રોના જણાવ્યા અનુસાર ખનલ નાણામંત્રી, આર્યલ ગૃહમંત્રી અને કુલમન ઘીસીંગ ઉર્જા મંત્રીનો પદભાર સંભાળશે. આ ઉપરાંત ઓમપ્રકાશ આર્યલ પાસે કાયદા મંત્રાલયની વધારાની જવાબદારી પણ રહેશે.
જયારે કુલમાન ઘીસીંગ પાસે ઉર્જા ઉપરાંત માળખાગત સુવિધા, પરિવહન અને શહેરી વિકાસ મંત્રાલયની પણ જવાબદારી રહેશે.
નેપાળમાં મંત્રી બનનારા ઓમપ્રકાશ આર્યલ વ્યવસાયે વકીલ છે. ઘીસીંગ નેપાળ વીજળી સત્તામંડળના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા. તેમને ઓલી સરકારમાં બરતરફ કરવામાં આવ્યા હતા. પીએમ પદ માટે તેમનું નામ પણ ચર્ચામાં હતું. રામેશ્વર ખનલ આર્થિક સુધારા સૂચન પંચના અધ્યક્ષ રહી ચૂક્યા છે.

૫ માર્ચ સુધી નવી ચૂંટણીઓ કરાવવાનો પડકાર
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલે શુક્રવારે મોડી રાત્રે સુશીલા કાર્કીને કાર્યકારી વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા અને તેમણે રવિવારે ઔપચારિક રીતે પદ સંભાળ્યું હતું.
મંત્રીમંડળનું વિસ્તરણ અગાઉ રવિવારે થવાનું હતું. તેમના વ્યસ્ત સમયપત્રકને કારણે તે મુલતવી રાખવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ કાર્કી પાસે ૫ માર્ચ સુધી નવી ચૂંટણીઓ કરાવવાનો પડકાર છે.