19ના મોત બાદ Gen-Zના વિરોધ સામે ઝૂકી નેપાળ સરકાર, સોશિયલ મીડિયા ફરી શરૂ થયા…

કાઠમંડુ: ભારતના પાડોશી દેશ નેપાળમાં સોશિયલ મીડિયા પર સરકારે લગાવેલા પ્રતિબંધના વિરોધમાં હિંસક પ્રદર્શનોને કારણે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી.
હજારોની સંખ્યામાં Gen-Z યુવાનો રાજધાની કાઠમંડુના માર્ગો પર ઉતરી આવ્યા હતા અને પ્રદર્શનકારીઓ છેક નેપાળના સંસદ ભવનના પરિસરમાં પહોંચી ગયા હતા અને ભીડને નિયંત્રણમાં લેવા માટે પોલીસે આંસુ ગેસના ગોળા ફેંક્યા હતા.
વિરોધ પ્રદર્શનમાં લગભગ 19 યુવાનોના મોત બાદ હવે સરકાર ઝૂકી છે અને સોશિયલ મીડિયા પરના પ્રતિબંધો હટાવવાનો નિર્ણય પાછો લીધો છે.
અંતે યુવાનો સામે સરકાર ઝૂકી
નેપાળ સરકાર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લગાવવામાં આવેલા પ્રતિબંધના વિરોધમાં થયેલા આક્રમક વિરોધ પ્રદર્શનમાં લગભગ 19 યુવાનોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે ઘાયલની સંખ્યા 300 પાર હોવાનો દાવો મીડિયા અહેવાલોમાં કરવામાં આવી રહ્યો છે.
આક્રમક વિરોધ બાદ સરકાર દેશના યુવાનો સામે ઝૂકી છે અને સોશિયલ મીડિયા પરના પ્રતિબંધો પરત લેવાની જાહેરાત કરી હતી. નેપાળના સંચાર, સૂચના અને પ્રસારણ પ્રધાન પૃથ્વી સુબ્બા ગુરુંગે જાહેરાત કરી હતી કે સરકારની કેબિનેટ બેઠક બાદ સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો નિર્ણય પાછો ખેંચ્યો છે.
તેમણે આગળ જણાવ્યું હતું કે સૂચના મંત્રાલય સબંધિત એજન્સીને રાજધાની કાઠમંડુમાં સંસદની સામે મોટાપાયે વિરોધ પ્રદર્શન કરનારા Gen-z યુવાનોની માંગ અનુસાર સોશિયલ મીડિયા સાઇટોને પુનઃ શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. ત્રણ દિવસ પહેલા નેપાળ સરકારે ફેસબૂક, એક્સ, વ્હોટ્સએપ સહિત 26 સોશિયલ મીડિયા સાઇટો પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો.
સરકારે વિરોધ સમાપ્ત કરવાની અપીલ કરી
સોશિયલ મીડિયા પરના પ્રતિબંધ હટાવવાના આદેશ બાદ પ્રધાને વિરોધ પ્રદર્શન સમાપ્ત કરવાની પણ અપીલ કરી હતી. સોમવારે રાતથી જ ફેસબૂક, વ્હોટ્સએપ સહિતની એપ શરૂ થઈ ગઈ હતી.
સોમવારે હજારોની સંખ્યામાં Gen-Z યુવાનો રાજધાની કાઠમંડુના માર્ગો પર ઉતરી આવ્યા હતા અને પ્રદર્શનકારીઓ છેક નેપાળના સંસદ ભવનના પરિસરમાં પહોંચી ગયા હતા. આ ભીડને નિયંત્રણમાં લેવા માટે પોલીસે આંસુ ગેસના ગોળા ફેંક્યા હતા. હિંસક તોફાનોને અંકુશમાં લેવા માટે પ્રશાસને વધુ આક્રમક પગલાં ભર્યા હતા, જ્યારે આર્મીને પણ તહેનાત કરવામાં આવી હતી.
19 લોકોના મોત બાદ સરકાર જાગી
સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર, પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલા સંઘર્ષમાં 19 લોકોના મૃત્યુ થયા છે જ્યારે ઘાયલની સંખ્યા 300થી વધુ છે. નેપાળમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સશસ્ત્ર સીમા દળએ ભારત-નેપાળ સરહદ પર દેખરેખ વધારી દીધી હતી. SSB એ સુરક્ષા જવાનો અને સર્વેલન્સ વધારી દીધું હતું તેમજ નેપાળમાં થઈ રહેલા હિંસક પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને, SSBએ તેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) હેઠળ જવાનોને એલર્ટ રહેવા નિર્દેશ આપ્યો હતો.
સરકારના કયા નિર્ણય સામે છે વિરોધ?
આ વિરોધ પ્રદર્શન તાજેતરમાં જ સરકારે યુટ્યુબ, વોટ્સએપ સહીતના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવ્યો હતો. સરકારનું કહેવું છે કે આ એપ્સ નેપાળમાં નોંધણી થયલી નથી અને આ માટે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
જો કે યુવાનો એટલે કે ખાસ કરીને Gen-Z પોતાને ડિજિટલ નાગરિક માની રહ્યા છે અને ઈન્ટરનેટ પરના પ્રતિબંધને પોતાની સ્વતંત્રતા પરની તરાપ માની રહ્યા છે. સરકારના આ નિર્ણયથી ઉશ્કેરાયેલા યુવાનો વડા પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે, આથી હવે નેપાળમાં પણ કદાચ બાંગ્લાદેશવાળી થશે કે કેમ તેવા પ્રશ્નો થઇ રહ્યા છે.
આ પણ વાંચો…નેપાળમાં હવે રાજકીય સંકટ: કેબિનેટ મિટિંગમાં ગૃહ પ્રધાને આપ્યું રાજીનામું