નેપાળમાં અડધી રાતે ખેલ પલટાયો, 60 કલાક પછી સુશીલા કાર્કી બની શકે છે વડા પ્રધાન

કાઠમંડુ : નેપાળમાં સત્તા પરિવર્તન બાદ વચગાળાની સરકારની રચનાનું કોકડું ઉકેલાયું છે. જેમાં અડધી રાતે ખેલ પલટાઈ ગયો હતો. લાંબી ચર્ચા વિચરણા બાદ સુશીલા કાર્કીના નામ પર સહમતિ સાધવામાં આવી છે. જેના પગલે હવે સુશીલા કાર્કી નેપાળના નવા કાર્યકારી વડાપ્રધાન બની શકે છે. સુશીલા કાર્કીના નામ પર જેન જી માં ચાલતા મતભેદો બાદ સેનાધ્યક્ષ અશોક રાજ સિગ્દેલ અને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલને ભારે મહેનત કરવી પડી હતી.
રામચંદ્ર પૌડેલની આગેવાનીમાં રાત્રે બેઠક યોજવામાં આવી
આ અંગે શીતલ નિવાસમાં રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની આગેવાનીમાં રાત્રે બેઠક યોજવામાં આવી હતી. જેમાં નેપાળના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને વચગાળાની સરકારનું નેતૃત્વ સોંપવા સહમતિ બની છે. આ નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો. જેમાં સેના પ્રમુખ અશોક રાજ સિગ્દેલ, વરિષ્ઠ કાનૂની ઓમ પ્રકાશ અર્યાલ, સુશીલા કાર્કી સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
સંસદ ભંગ કરવા મુદ્દે હજુ કોઈ નિર્ણય નહી
આ બેઠકમાં સરકાર રચના પૂર્વે સંસદ ભંગ કરવા મુદ્દે પણ ચર્ચા થઈ હતી. જોકે, આ મુદ્દે જેન-જી ગ્રુપોમાં મતભેદ જોવા મળ્યા હતા. નેપાળની જૂની પરંપરાને અનુસરીને પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને વચગાળાની સરકારનું નેતૃત્વ સોંપવા જેન-જી ગ્રુપો વચ્ચે સહમતિ બની હતી. જેન-જી ના યુવાનો ઈચ્છે છે કે પહેલા સરકાર ભંગની જાહેરાત થાય બાદ જ વચગાળાની સરકારની રચના કરવામાં આવે. જોકે, તેમ છતાં સંસદ ભંગ કરવા મુદ્દે હજુ કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.
આ પણ વાંચો…નેપાળમાં અંધાંધૂધી યથાવત્ઃ 15,000 કેદી ફરાર, આઠનાં મોત