મ્યાનમાર સેનાએ દેશના જ ગામ પર કર્યો હવાઈ હુમલો; 40 લોકોના મૃત્યુના અહેવાલ
રંગુન: મ્યાનમારમાં સેના (Myanmar army) દ્વારા પશ્ચિમ વિસ્તારમાં સેના દ્વારા હવાઈ હુમલો (airstrike) કરવામાં આવ્યો છે. સશસ્ત્ર લઘુમતી વંશીય જૂથ દ્વારા નિયંત્રિત એક ગામ પર સેનાના હવાઈ હુમલામાં 40 લોકોના મૃત્યુ થયાના અહેવાલો છે. આ ઘટનામાં લગભગ 20 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ દાવો કર્યો હતો કે હવાઈ હુમલાને કારણે લાગેલી આગમાં સેંકડો ઘરો બળીને રાખ થઈ ગયા હતા.
આ પણ વાંચો: શું મ્યાનમારની અરાકાન આર્મી બાંગ્લાદેશની અંદર 270 કિમી સુધી ઘૂસી ગઈ? સત્ય જાણો
મળતી વિગતો અનુસાર આ હુમલો બુધવારે રામરી ટાપુ પર કયોક ની માવ ગામમાં થયો હતો, જે પશ્ચિમ રખાઇન રાજ્યમાં વંશીય લઘુમતી અરાકાન આર્મી દ્વારા નિયંત્રિત વિસ્તાર છે. જોકે સેનાએ આ વિસ્તારમાં કોઈ હુમલાની પુષ્ટિ કરી નથી. આ વિસ્તારમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન સેવા લગભગ ખોરવાઈ ગઈ હોવાથી ગામની પરિસ્થિતિની પુષ્ટિ થઈ શકી નથી.
ફેબ્રુઆરી 2021થી મ્યાનમારમાં હિંસાનો દોર
ફેબ્રુઆરી 2021માં આંગ સાન સુ ચીની ચૂંટાયેલી સરકારના બળવા પછી મ્યાનમાર હિંસાનો સામનો કરી રહ્યું છે. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનોને કચડી નાખવા માટે સેના દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યા બાદ લશ્કરી શાસનના ઘણા વિરોધીઓએ શસ્ત્રો ઉપાડ્યા હતા. જેના લીધે દેશના મોટાભાગના ભાગોમાં સૈન્ય અને વિરોધીઓ વચ્ચે અથડામણો ચાલુ છે.