ભારતની મુલાકાત મોકુફ રાખનારા મસ્ક અચાનક પહોંચી ગયા ચીન, જાણો શું છે ટેસ્લાના CEOનો પ્લાન

ટેસ્લાના સીઈઓ તેમની ભારતની નિર્ધારિત મુલાકાત મુલતવી રાખ્યા બાદ રવિવારે અચાનક ચીન પહોંચી ગયા હતા. તેમના પ્રવાસની વિગતો સાર્વજનિક કરવામાં આવી નથી, પરંતુ એક ફ્લાઈટ ટ્રેકિંગ એપ અનુસાર તેમના પ્રાઈવેટ જેટનું લોકેશન બેઈજિંગમાં મળી આવ્યું છે. અહેવાલો અનુસાર તેઓ ચાઇના ઇન્ટરનેશનલ ટ્રેડ પ્રમોશન કાઉન્સિલના આમંત્રણ પર રવિવારે બપોરે ચીનની રાજધાની બીજિંગ પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે માસ્ક ટેસ્લાના ફૂલ સેલ્ફ ડ્રાઇવિંગ એટલે કે (FSD) પર ચર્ચા કરવા માટે આ સામ્યવાદી દેશમાં ગયા છે. ટેસ્લા તેની ઓટો પાયલોટ ટેકનોલોજીનું સૌથી અદ્યતન સંસ્કરણ FSD પર કામ કરી રહ્યું છે. આ પહેલા ચીનમાં મિલિટરી કોમ્પ્લેક્સ અને કેટલીક સરકારી જગ્યા ઉપર આવા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો એમ કહેવામાં આવ્યું હતું કે આ વાહનોમાં લાગેલા કેમેરાને લઈને સાઈબર સુરક્ષાની ચિંતાઓને કારણે આ પગલાં લેવામાં આવ્યા છે.
એલન મસ્કે ગયા અઠવાડિયે કહ્યું હતું કે કંપની સંબંધિત ભારે જવાબદારીઓને કારણે તેમણે ભારતની મુલાકાત સ્થગિત કરી છે. મસ્ક એપ્રિલના ચોથા સપ્તાહમાં ભારત આવવાના હતા. દુર્ભાગ્યવસ્થા કંપની સંબંધિત ભારે પ્રતિબધ્ધતાઓને કારણે મારી ભારતની સફર મુલતવી રાખવામાં આવી છે. પરંતુ હું આ વર્ષે મુસાફરી કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું ,એમ તેમણે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર એક જવાબમાં જણાવ્યું હતું. તેમની પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે તેઓ હાલમાં ભારત આવવા માટે અસમર્થ છે.
ગયા વર્ષે જૂનમાં મસ્ક પીએમ મોદીને મળ્યા હતા તેમણે કહ્યું હતું કે તેમણે 2024 માં ભારતની મુલાકાત લેવાની યોજના બનાવી છે અને ટેસ્લા ટૂંક સમયમાં ભારતીય બજારોમાં પ્રવેશ કરશે, એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમની પ્રસ્તાવિત મુલાકાતે એવી અપેક્ષાઓ વધારી હતી કે તેઓ ઇલેક્ટ્રીક કાર ઉત્પાદન બિઝનેસ ભારતમાં સ્થાપવાની જાહેરાત કરશે અને આ માટે તેઓ અબજો ડોલરનું રોકાણ કરશે. ભારતમાં ટેસ્લા ઈલેક્ટ્રિક કારના વેચાણને શક્ય તેટલી વહેલી તકે આગળ વધારવાનો માર્ગ શોધી કાઢશે.
ટેસ્લાએ તેનું સૌથી અદ્યતન ઓટોપાયલટ સોફ્ટવેર FSD ચાર વર્ષ પહેલા લોન્ચ કર્યું હતું, પરંતુ અત્યાર સુધી તે ચીની ગ્રાહકો માટે ઉપલબ્ધ નથી. કારણ કે ચીનની સરકારે ટેસ્લાને દેશમાં એકત્રિત કરવામાં આવેલ ડેટા વિદેશમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી નથી. મસ્કે તાજેતરમાં કહ્યું હતું કે FSD ટૂંક સમયમાં ચીનમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે. ચીનમાં સ્થાનિક કંપનીઓ પણ આવું સોફ્ટવેર લોન્ચ કરીને લાભ લેવા માંગે છે.
ટેસ્લા ચીનની બજારમાં તો દાયકાથી છે. તે ત્યાં 17 લાખ જેટલી કાર વેચી ચૂકી છે. હવે મૂળ મુદ્દાની વાત કરીએ તો ટેસ્લા ભારતમાં પ્રવેશવાની પણ તૈયારી કરી રહી છે પરંતુ ચીનને તે પસંદ નથી આવી રહ્યું. ચીનનું માનવું છે કે ભારત પાસે ટેસ્લા માટે યોગ્ય ઇન્ફ્રા નથી, તેથી ભારતમાં આવીને ટેસ્લા બરબાદ થઇ જશે.