ચીનના કેમિકલ પ્લાન્ટમાં જોરદાર વિસ્ફોટ બાદ મશરૂમ ક્લાઉડ સર્જાયું , પાંચના મોત 19 લોકો ઘાયલ

બેઇજિંગ: ચીનના પૂર્વીય શેનડોંગ પ્રાંતમાં મંગળવારે બપોરે એક કેમિકલ પ્લાન્ટમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં પાંચ લોકો માર્યા ગયા અને 19 ઘાયલ થયા છે.આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે બે માઇલ દૂર સુધીના ઘરોના કાચ તૂટી ગયા હતા. તેમજ વિસ્ફોટ બાદ મશરૂમ ક્લાઉડ સર્જાયું હતું. જે ખૂબ દૂરથી જોઇ શકાતું હતું.
સાત કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા
આ વિસ્ફોટ અંગે એક સ્થાનિકે જણાવ્યું હતું કે, વિસ્ફોટથી તેમનું ઘર હચમચી ગયું. જ્યારે તે શું થયું તે જોવા માટે બારી પાસે ગયા ત્યારે દૂરથી ધુમાડાના ગોટા જોયા હતા. વિસ્ફોટ પછી ફાટી નીકળેલી આગ પર કાબૂ મેળવવા માટે 230 થી વધુ ફાયર ફાઈટર કાર્યરત છે. માહિતી મુજબ સાત કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
ફાયર બ્રિગેડ અને તબીબી ટીમો ઘટના સ્થળે પહોંચી
મીડિયા અહેવાલ મુજબ વર્ષ 2019માં ગાઓમી શહેરમાં સ્થાપિત આ પ્લાન્ટ દર વર્ષે લગભગ 11,000 ટન જંતુનાશકોનું ઉત્પાદન કરે છે. આ પ્લાન્ટમાં 300 થી વધુ લોકો કામ કરે છે. આ વિસ્ફોટની માહિતી મળતાં બચાવ કાર્યમાં મદદ કરવા માટે ફાયર બ્રિગેડ અને તબીબી ટીમો ઘટના સ્થળે પહોંચી હતી.
આપણ વાંચો: એવરેસ્ટના બાદશાહઃ શેરપા ગાઇડે ૩૧મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરી રેકોર્ડ કર્યો
ચીનમાં સતત ઔદ્યોગિક અકસ્માતો થાય છે
ચીનમાં સતત ઔદ્યોગિક અકસ્માતો થાય છે. જ્યાં તેના અસંખ્ય કારખાનાઓમાં સલામતીના ધોરણોનું ક્યારેક પાલન કરવામાં આવતું નથી. વર્ષ 2015માં બંદર શહેર તિયાનજિનમાં જ્વલનશીલ રસાયણો ધરાવતા ગોડાઉનમાં વિસ્ફોટોમાં 170 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 700 અન્ય ઘાયલ થયા હતા.