ઇન્ટરનેશનલ

તહવ્વુર રાણા મુદ્દે પાકિસ્તાનના બદલાયા ‘તેવર’, ઓળખ મુદ્દે હાથ ઊંચા કર્યા…

ઈસ્લામાબાદઃ મુંબઈ પરના આતંકવાદી હુમલાના આરોપીને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યા પછી આ મુદ્દે પાકિસ્તાન તરફથી પહેલી પ્રતિક્રિયા આવી છે. પાકિસ્તાન સરકારે તહવ્વુર રાણાને ઓળખવાનો ઈનકાર કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તહવ્વુર રાણાને બે દાયકાથી વધુ સમયમાં પોતાના પાકિસ્તાની દસ્તાવેજોને રિન્યૂ કર્યાં નથી. એ જ રીતે તે પાકિસ્તાન નહીં, પરંતુ કેનેડિયન નાગરિક હોવાનું જણાવ્યું હતું.

તહવ્વુર રાણાની તમામ કોશિશ નિષ્ફળ
મુંબઈમાં 2008માં આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાને આજે અમેરિકાથી વિશેષ વિમાન મારફત ભારત લાવવામાં આવ્યો છે. અમેરિકન હાઈ કોર્ટે રાણાની અરજીને ફગાવીને ભારતના પ્રત્યર્પણ પર મંજૂરી આપી હતી. એના પછી પ્રત્યર્પણની તમામ કોશિશ નિષ્ફળ રહી હતી. તહવ્વુર રાણા લશ્કર-એ-તૈયબા દ્વારા 2008માં ભારતમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં સામેલ હતો. તહવ્વુર રાણાએ હુમલામાં મુખ્ય ષડયંત્ર કરનારા ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીનો નજીકનો સાગરીત છે.

તહવ્વુર રાણા બેવડું નાગરિકત્વ ધરાવે છે
મીડિયાના અહેવાલ અનુસાર પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તહવ્વુર રાણા કેનેડિયન નાગરિકતા ધરાવે છે, જે બેવડું નાગરિકત્વ ધરાવે છે. પાકિસ્તાન એવા નાગરિકોને બેવડું નાગરિકત્વ આપે છે, પરંતુ એમાં અમુક શરતો હોય છે. તહવ્વુર રાણા નેશનલ આઈડેન્ટિટી કાર્ડ ફોર ઓવરસીઝ પાકિસ્તાનીઝ (એનઆઈસીઓપી) કાર્ડ અન્વયે પ્રવેશ કરી શકે છે. એનો અર્થ એ છે રાણા કેનેડિયન પાસપોર્ટના આધારે પ્રવાસ કરી શકે છે. તે પાકિસ્તાનમાં પણ પૂર્વ નાગરિકના આધારે રહી શકે છે.

અપરાધીને તિહારમાં રાખવાનો તખતો તૈયાર
મુંબઈના આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યા પછી તિહાર જેલમાં રાખી શકાય છે. જેલના અધિકારીઓના જણાવ્યાનુસાર 64 વર્ષના રાણાને જેલમાં રાખવાની તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને જેલના અધિકારીઓને કોર્ટના આદેશની રાહ જોઈ રહ્યા છે.

ઈઝરાયલના એમ્બેસેડરે ભારતનો માન્યો આભાર
તહવ્વુર રાણાને ભારત લાવવા મુદ્દે ઈઝરાયલના એમ્બેસેડરે ભારતની પ્રશંસા કરી હતી. ભારતમાં થયેલા આતંકવાદી હુમલામાં ઈઝરાયલના નાગરિક સહિત સેંકડો લોકોના મોત થયા હતા તેના માસ્ટરમાઈન્ડને અમેરિકાથી ભારત લાવવા બદલ ભારતનો આભાર માન્યો હતો. તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યા પૂર્વે ગૃહ પ્રધાન અમિત શાહ સહિત સુરક્ષા દળના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. તહવ્વુર રાણાને 16 વર્ષ પછી ભારત લાવવામાં આવ્યો છે.

આપણ વાંચો : 26/11ના આતંકવાદી હુમલોઃ તહવ્વુર રાણાને ફાંસી આપવાની શહીદના પિતાએ કરી માગણી, જાણો એટૂઝેડ વિગતો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button