કરાચીમાં બહુમાળી ઇમારત ધરાશાયી: 27 લોકોના મોત, 3 મહિનાની બાળકીનો ચમત્કારિક બચાવ!

કરાચી: પાકિસ્તાનનાં કરાચીના લ્યારી વિસ્તારમાં પાંચ માળની ઇમારત ઘરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ (Building collapse in Karachi) હતી. આ ઘટનામાં 27 લોકોના મોત નીપજ્યા, જેમાંથી 20 એક જ પરિવારના હતા. ઘટના બાદ 53 કલાક સુધી બાચાવ કમગીરી ચાલી હતી, આ દરમિયાન એક ચમત્કાર સર્જાયો હતો, આ ભયાનક અકસ્માતમાં ત્રણ મહિનાની બાળકીનો આબાદ બચાવ થયો હતો.
અહેવાલ મુજબ, આ ઘટનામાં મૃત્યું પામેલા 27 માંથી 20 લોકો હિન્દુ સમુદાયના હતા અને તેઓ એક જ પરિવારના સભ્યો હતા. બચાવ કામગીરી દરમિયાન ત્રણ મહિનાની બાળકીને જીવિત મળી આવી હતી, તેને ફક્ત સામાન્ય ઈજાઓ થઈ છે. આ ભયાનક દુર્ઘટનામાં બાળકીનો બચાવ થતા સૌ આશ્ચર્યચકિત થઈ ગયા.
આ પણ વાંચો: પુણેમાં ઇન્દ્રાયણી નદી પરનો પુલ ધરાશાયી! અનેક લોકો ડૂબ્યા
રેસ્ક્યુ ટીમના એક કર્મચારીએ જણાવ્યું કે જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે તેઓએ તરત જ કાટમાળ નીચે બચી ગયેલા લોકોને શોધવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, ‘અમને કાટમાળ નજીક ત્રણ મહિનાની બાળકી જીવંત અને સ્વસ્થ મળી આવી, જ્યારે બાળકીની માતા અને પરિવારના ઘણા સભ્યોના મૃતદેહ થોડે દૂર મળી આવ્યા. બાળકીનું શરીર ધૂળથી ઢંકાયેલું હતું અને સામાન્ય ઈજાને કારણે તેના નાકમાંથી લોહી નીકળતું હતું. આ સિવાય, તેના શરીર પર અન્ય કોઈ ઘા ન હતો.’
અધિકારીઓ ઈમારત ધરાશાયી થવા પાછળના કારણો અંગે તપાસ કરી રહ્યા છે. જોકે સિંધ પ્રાંતની સરકારનો દાવો છે કે આ ઇમારત પણ જર્જરિત હાલતમાં હતી, જેને કારણે તે તૂટી પડી હતી. લ્યારીમાં લગભગ 22 જર્જરિત ઇમારતોમાંથી 14 ખાલી કરાવી દેવામાં આવી છે.