પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો અને ISIમાં મચ્યો ખળભળાટ!
મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝના પુત્રનું અપહરણ
પેશાવરઃ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીન સઈદના અપહરણના સમાચાર છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ગત સાંજે કાર સવારોએ કમલુદ્દીન સઈદનું અપહરણ કર્યું હતું. આ સનસનાટીભર્યા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
જોકે, આ સમાચારને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ કેટલાક વિદેશી મીડિયા સંગઠનોના ટ્વિટર હેન્ડલ પરથી સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે હાફિઝ સઈદનો પુત્ર કમાલુદ્દીન સઈદ ગઈકાલે સાંજથી ગુમ છે. કેટલાક અન્ય ટ્વિટર હેન્ડલ પરથી દાવો કરવામાં આવ્યો છે કે હાફિઝ સઈદના પુત્રના ગુમ થયા બાદ આતંકવાદી સંગઠનો અને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈમાં હલચલ મચી ગઈ છે અને કમાલુદ્દીન સઈદને શોધવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કમાલુદ્દીન સઈદ ગઈકાલ સાંજથી ગુમ છે અને તેનો કોઈ સુરાગ નથી મળી રહ્યો. ટાઈમ્સ અલ્જેબ્રા નામના ટ્વિટર હેન્ડલે દાવો કર્યો છે કે કમાલુદ્દીન સઈદ ગુમ થઈ ગયો છે અને તેને અજાણ્યા લોકો લઈ ગયા છે. ટ્વિટર હેન્ડલ પરથી મોટા બ્રેકિંગ ન્યૂઝ પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદનો પુત્ર કમાલુદ્દીન સઈદ ગઈકાલથી ગુમ છે.”
આ ઘટના બાદ આઈએસઆઈ અને અન્ય પાકિસ્તાની આતંકવાદી સંગઠનો આઘાતમાં છે. પાકિસ્તાની એજન્સીઓમાં ગભરાટ ફેલાઇ ગયો છે કારણ કે ભૂતકાળમાં ભારતના ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદીઓ સહિત ઘણા વોન્ટેડ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમનું માનવું છે કે આજનું ભારત ઘરમાં ઘુસીને મારે છે. ભારત વીણી વીણીને તેના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓને ખતમ કરી રહ્યું છે. ગયા વર્ષે હાફિઝ સઈદના ઘરની નજીક બોમ્બ વિસ્ફોટ થયો હતો અને પાકિસ્તાની એજન્સીઓએ દાવો કર્યો હતો કે હાફિઝ સઈદને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.