Moscow Attack: 133 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારનારા 4 આતંકવાદીઓ ઝડપાયા
રશિયાની રાજધાની મોસ્કો પાસે એક કોન્સર્ટ હોલમાં શુક્રવારે થયેલા આતંકવાદી હુમલા (Moscow Attack) પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નિવેદન સામે આવ્યું છે. પુતિને કહ્યું કે મોસ્કોમાં ભરચક કોન્સર્ટ હોલમાં આતંકવાદી હુમલો કરનારા ચારેય આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પુતિને આ હુમલાને યુક્રેન સાથે પણ જોડ્યો અને કહ્યું કે ચાર આતંકવાદીઓ યુક્રેન તરફ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે કુલ 11 લોકોની અટકાયત કરવામાં આવી હતી અને આ હુમલા સાથે સીધા જોડાયેલા ચાર આતંકવાદીઓને યુક્રેન જતી વખતે પકડવામાં આવ્યા હતા. મોસ્કો નજીક એક કોન્સર્ટ હોલમાં એક કોન્સર્ટમાં બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો અને શસ્ત્રોથી ફાયરિંગ કર્યું, જેમાં ઓછામાં ઓછા 133 લોકો માર્યા ગયા અને 140 થી વધુ ઘાયલ થયા.
ઈસ્લામિક સ્ટેટ (IS)એ આ હુમલાની જવાબદારી લીધી હતી. શનિવારે, IS ચેનલ અમાકે ટેલિગ્રામ પર ચાર માસ્ક પહેરેલા લોકોની એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેણે દાવો કર્યો હતો કે તેઓ, એટલે કે IS, આ હુમલામાં સામેલ હતા.
જોકે રશિયાએ આઈએસના આ દાવા પર કોઈ ટિપ્પણી કરી નથી. પુતિને હુમલાની સખત નિંદા કરતા કહ્યું કે છેલ્લા 20 વર્ષમાં રશિયામાં આ સૌથી ખરાબ હુમલો છે.પુતિને કહ્યું કે હુમલાખોરોએ યુક્રેન ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. કિવ એ આ હુમલામાં કોઈપણ રીતે સામેલ હોવાના દાવાને “વાહિયાત” તરીકે નકારી કાઢ્યો.