ભારત પર હજુ વધુ ટેરીફ લાગશે? યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યા આવા સંકેત…

વોશિંગ્ટન ડી સી: રશિયા પાસેથી વેપાર કરતા દેશો પર યુએસ રાષ્ટ્રપતિએ ડોનાલ્ડ ટ્રમ્પ ભારે ટેરીફ લાદી રહ્યા છે. ટ્રમ્પ ભારતની રશિયન પેટ્રોલીયમની ખરીદી સામે વાંધો ઉઠાવી ચુક્યા છે અને ભારત પર વધારાનો 25 ટકા ટેરીફ ઝીંક્યો છે.
એવામાં ટ્રમ્પે એવા સંકેતો આપ્યા છે કે રશિયા સાથે વેપાર કરતા દેશો પર હજુ વધુ ટેરીફ લાગુ કરવામાં આવી શકે છે, જેની અસર ભારત પર પણ થઇ શકે છે.
અહેવાલ મુજબ યુક્રેન સામેના યુદ્ધને ધ્યાનમાં રાખીને રશિયા પર પ્રતિબંધોના બીજા રાઉન્ડ માટે તૈયારી કરવામાં આવી રહી છે. રવિવારે વ્હાઇટ હાઉસમાં પત્રકારોએ ડોનાલ્ડ ટ્રમ્પેને આ અંગે સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું, “હા, હું તૈયાર છું.”
ટ્રમ્પે વધુમાં કઈં કહ્યું ન હતું, પરંતુ અહેવાલો મુજબ અમેરિકા રશિયા અને તેની પાસેથી પેટ્રોલિયમ ખરીદતા દેશો પર વધુ ટેરિફ અને અન્ય પ્રતિબંધો લાગવવાની તૈયારી કરી રહ્યું છે.

યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદતા દેશો પર વધુ પ્રતિબંધો લગાવવા અંગે સંકેત આપ્યા હતાં. બેસેન્ટે કહ્યું કે રશિયન અર્થતંત્રનું પતન માટે પગલા ભરવામાં આવી રહ્યા છે.
બેસેન્ટે દલીલ કરી કે રશિયન અર્થતંત્રનું પતન થશે જ તો વ્લાદિમીર પુતિન યુક્રેન સાથે વાટાઘાટો કરવા મજબૂર થશે.
નોંધનીય છે કે ગત મહીને અલાસ્કામાં પુતિન સાથે ટ્રમ્પની બેઠક છતાં યુક્રેનમાં યુદ્ધ વિરામ અંગે કોઈ સહમતી સધાઈ ન હતી.
આ પણ વાંચો…ટેરિફના ટેન્શન વચ્ચે PM Modi અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થશે, આગામી મહિને ASEAN શિખર પરિષદ યોજાશે