ઇન્ટરનેશનલ

યુદ્ધ વચ્ચે ઈઝરાયલે ઉઠાવ્યું મોટું પગલું, ઈજિપ્તના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે પીએમ મોદીએ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલના સૈન્ય હુમલાઓ અને તેના નુકસાન અંગે ચર્ચા કરી હતી. આ સાથે બંને નેતાઓએ ગાઝાના લોકોની સુરક્ષા અંગે પણ વાત કરી હતી.

ઇજિપ્તના રાષ્ટ્રપતિના પ્રવક્તાએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ યુદ્ધવિરામ તરફના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પ્રયાસોને સમર્થન આપવા માટે ઇજિપ્તના સતત પ્રયાસો વિશે વાત કરી. એમ કહેવાય છે કે ગાઝા પટ્ટી પર ગ્રાઉન્ડ હુમલાના પરિણામો ખૂબ ગંભીર હશે. ઇજિપ્તના રાષ્ટ્રપતિએ એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે આનાથી માનવીય સ્થિતિ વધુ બગડશે. તેથી આ માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવા પડશે.


ઇજિપ્તના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે યુદ્ધવિરામ તરત જ થવો જોઈએ જેથી કરીને માનવ જીવન બચાવી શકાય. જ્યારે માનવતાવાદી સહાય તરત જ પહોંચાડવી જોઈએ; અસરગ્રસ્ત વિસ્તારોમાં આની સખત જરૂર છે.


ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતાહ અલ-સીસીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અનુસાર આ યુદ્ધનો ઉકેલ રાજદ્વારી સ્તરે શોધવો જોઈએ. તેમણે કહ્યું કે જો આ દિશામાં તાત્કાલિક પગલાં લેવામાં આવે તો યુદ્ધવિરામથી માનવ જીવન બચી જશે. રાષ્ટ્રપતિ ફતાહે કહ્યું કે માનવતાવાદી સહાય હિંસા પ્રભાવિત વિસ્તારમાં તાત્કાલિક અને વિક્ષેપ વિના પહોંચાડવી જોઈએ. બંને નેતાઓએ ઇજિપ્ત અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને ઉત્તમ વ્યૂહાત્મક ભાગીદારી પર પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. બંને મિત્ર દેશો વચ્ચેના પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવવાના પોતાના સંકલ્પને પુનરોચ્ચાર કર્યો હતો.


ઇઝરાયલી સૈન્યએ ગાઝા વિસ્તારમાં “વ્યાપક” ગ્રાઉન્ડ ઓપરેશન કરવાની જાહેરાત કરી છે. સેનાની આ જાહેરાત સૂચવે છે કે તે ગાઝા પર સંપૂર્ણ પાયે હુમલાની નજીક જઈ રહી છે. તેણે ગાઝામાં હમાસના આતંકવાદીઓનો સંપૂર્ણ સફાયો કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ગાઝા વિસ્તાર પર ઇઝરાયલના હવાઈ હુમલાને કારણે થયેલા વિસ્ફોટોના પરિણામે અહીંની ઈન્ટરનેટ, સેલ્યુલર અને લેન્ડલાઈન સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઇ ગઇ છે.


ઇઝરાયલના હુમલા વચ્ચે ગાઝા પટ્ટીએ દાવો કર્યો છે કે ગાઝામાં મૃત્યુઆંક 7,650 સુધી પહોંચી ગયો છે. દરમિયાન તુર્કીએ હમાસ પર ઈઝરાયલના સૈન્ય હુમલાની આકરી નિંદા કરી છે. તુર્કીના નિવેદનનો જવાબ આપતા ઈઝરાયલના વિદેશ મંત્રી એલી કોહેને તુર્કીમાં તૈનાત ઈઝરાયલના રાજદ્વારીઓને ઈઝરાયલ પરત ફરવાનો આદેશ આપ્યો છે. તુર્કીએ પણ ઈઝરાયલના નાગરિકોને આતંકવાદી ખતરાઓને કારણે દેશ છોડવા માટે કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button