અમેરિકાના મિસિસિપીમાં ગોળીબારની ભયાનક ઘટના: હુમલાખોરની ધરપકડ સાથે તપાસ તેજ

અમેરિકામાં ફરી એકવાર ગન કલ્ચરની વરવી વાસ્તવિકતા સામે આવી છે. પૂર્વી મિસિસિપીના વિસ્તારોમાં થયેલા શ્રેણીબદ્ધ ગોળીબારમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. શનિવારે (10 જાન્યુઆરી) બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનું મોજું ફેરવી દીધું છે. સ્થાનિક સત્તાવાળાઓએ આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો છે.
મળતી વિગત મુજબ, વેસ્ટ પોઈન્ટ નામના શહેરમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા છ લોકોના મોત નીપજ્યા છે. આ હુમલો એટલો અચાનક હતો કે લોકોને બચવાની તક પણ મળી નહોતી. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરે પૂર્વી મિસિસિપીના અલગ-અલગ સ્થળોને નિશાન બનાવ્યા હતા. આ હિંસક ઘટના બાદ તાત્કાલિક અસરથી સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા હતા.
ક્લે કાઉન્ટીના શેરિફ એડી સ્કોટ દ્વારા સોશિયલ મીડિયા પર આ અંગે સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે. હાલમાં સમુદાય માટે કોઈ વધારાનો ખતરો નથી. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી હુમલા પાછળનો ચોક્કસ હેતુ જાણી શકાય.
શેરિફ સ્કોટે ફેસબુક પર ભાવુક પોસ્ટ લખતા જણાવ્યું હતું કે, આ હિંસામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમણે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પીડિતો અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરે. કાયદા અમલીકરણ એજન્સીઓ હાલમાં તપાસ હાથ ધરી છે અને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. રવિવાર સવાર સુધી મૃતકોની ઓળખ કે હુમલાના કારણો અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો…ઈરાનમાં આંદોલનકારીઓને કર્યા એનિમી ઓફ ગોડ જાહેર: સરકારની ગોળીબારની ચીમકી



