રશિયામાં ગુમ થયેલ હેલિકોપ્ટર મળી આવ્યું; ક્રેશ થતાં 22 લોકોમાંથી 17ના મોત

મોસ્કો: રશિયાના સુદૂર પૂર્વ ભાગમાં ગુમ થયેલ હેલિકોપ્ટરના દુર્ઘટનાગ્રસ્ત થયાના અહેવાલો મળી રહ્યા છે. વિમાનમાં સવાર 22 લોકોમાંથી 17ના મૃતદેહ મળી આવ્યા છે. આજે આ માહિતી આપતાં રશિયન અધિકારીઓએ જણાવ્યું કે હેલિકોપ્ટરનો કાટમાળ પણ મળી આવ્યો છે. રશિયાના આપાતકાલીન મંત્રાલયે જણાવ્યું કે 17 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને જ્યારે અન્ય લાપતા લોકોની શોધ કરી રહ્યા છે. આ મામલે રશિયાની સરકારી સમાચાર એજન્સી ‘આરઆઈએ નોવોસ્ટી’એ ઈમરજન્સી મંત્રાલયને ટાંકીને કહ્યું કે હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોતની આશંકા છે.
ખરાબ હવામાન અને ખરાબ વિઝિબિલિટીના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. રશિયાના ઈમરજન્સી મંત્રાલયે ટેલિગ્રામ પર લખ્યું હતું કે, “હવાઈ સર્વેક્ષણ કરીને ગુમ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળની શોધ થઈ ચૂકી છે. આ સ્થળ તે સ્થળની નજીક 900 મીટરની ઉંચાઈ પર સ્થિત છે જ્યાં તેનો છેલ્લે સંપર્ક થઈ શક્યો હતો.” હેલિકોપ્ટરમાં સવાર મુસાફરો અથવા ક્રૂ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
રશિયાની ફેડરલ એર ટ્રાન્સપોર્ટ એજન્સીએ અગાઉ એક નિવેદનમાં જણાવ્યું હતું કે Mi-8 હેલિકોપ્ટરે શનિવારે કામચટકા ક્ષેત્રમાં વાચકઝેટ્સ જ્વાળામુખી નજીક ઉડાન ભરી હતી પરંતુ તે નિર્ધારિત સ્થાન પર પહોંચી શક્યું ન હતું. વિમાનમાં 19 મુસાફરો અને ત્રણ ક્રૂ સભ્યો હોવાનું મનાઈ રહ્યું છે. Mi-8 એક બે એન્જિન ધરાવતું હેલિકોપ્ટર છે જેનું નિર્માણ વર્ષ 1960માં થયું હતું. રશિયા સહિત અન્ય દેશોમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.