Top Newsઇન્ટરનેશનલ

“હું એપ્સ્ટીને ત્રણ ચાર વાર મળ્યો છું, પણ…” રાહુલ ગાંધીના આરોપો અંગે કેન્દ્રીય પ્રધાનનો ખુલાસો

નવી દિલ્હી: યુએસનાં કુખ્યાત સેક્સ ટ્રાફિકર જેફરી એપ્સ્ટીઇન સાથે જોડાયેલી ફાઈલ્સમાં ભારતના કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન હરદીપ સિંહ પુરીનાં નામનો ઉલ્લેખ મળી આવતા રાજકારણ ગરમાયું છે, વિપક્ષે તેમની સામે ગંભીર આરોપો લગાવ્યા હતાં અને રાજીનામાની માંગ કરી હતી, ગઈકાલે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને હરદીપ સિંહ પુરીએ પોતાનાનો પક્ષ રજુ કર્યો હતો, તેમણે કહ્યું કે એપ્સ્ટીન સાથેની તેમની મુલાકાતો ઇન્ટરનેશનલ પીસ ઇન્સ્ટિટ્યૂટ (IPI) ના સત્તાવાર પ્રતિનિધિમંડળનો ભાગ હતી.

દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) મુખ્યાલય ખાતે પત્રકારોને સંબોધતા હરદીપ સિંહ પુરીએ વિપક્ષ દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપોને વખોડ્યા અને પોતાનો બચાવ કર્યો હતો.

એપ્સ્ટીનને મળ્યા, પણ….:
હરદીપ સિંહ પુરીએ સ્વીકાર્યું કે વર્ષ 2014 અને 2017 વચ્ચે તેઓ ત્રણ કે ચાર વાર એપ્સ્ટીનને મળ્યા હતા, તેમણે સ્પષ્ટતા કરી કે ન્યૂયોર્કમાં IPI સાથે કામ કરતી વખતે સત્તાવાર પ્રતિનિધિમંડળના ભાગ રૂપે આ મુલાકાતો થઇ હતી, આ મુલાકતો લિંક્ડઇનના સહ-સ્થાપક રીડ હોફમેન સહિત સિલિકોન વેલીના લોકો સાથેના તેમના નેટવર્કિંગનો ભાગ હતી. તેમણે કહ્યું, “અમે ‘મેક ઇન ઇન્ડિયા’ વિશે વાત કરી.”

પ્રેસ કોન્ફરન્સમાં હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે તેમણે એપ્સ્ટીનના ખાનગી ટાપુની મુલાકાત લીધી ન હતી. તેમણે કહ્યું, “મને જ્યારે સમજાયું કે એ માણસ કોણ છે, ત્યારે મેં તેની સાથેનો સંપર્ક તોડી નાખ્યો હતો.”

વધુ સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું, “મને એપ્સ્ટીનની પ્રવૃત્તિઓમાં કોઈ રસ નહોતો. તેમના માટે, હું ‘યોગ્ય વ્યક્તિ’ નહોતો, એપ્સ્ટીને મને ‘ટૂ ફેસ્ડ’ કહ્યો હતો , રાહુલ ગાંધીએ તે ઇમેઇલ્સ વાંચવા જોઈએ.

અનિલ અંબાણીના નામનો પણ ઉલ્લેખ:
એપ્સ્ટીનના એક ઈમેલમાં હરદીપ સિંહ પુરી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીનું નામ સામે આવ્યું છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે હરદીપ સિંહ પુરીએ અનીલ અંબાણીની એપ્સટિન સાથે પરિચય કરાવ્યો હતો.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હરદીપ સિંહ પુરી જણાવ્યું કે ભાજપ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ લાવશે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ લગાવેલા આરોપો “બકવાસ” અને “બદનક્ષીભર્યાં” છે.
રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું, “એક યુવા નેતા છે જેને પાયાવિહોણા આરોપો કરવાની આદત છે…”

દુનિયાભરમાં ખળભળાટ:
નોંધનીય છે કે ગત મહિને યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એપ્સ્ટીનના સેક્સ રેકેટની તપાસ સાથે જોડાયેલા લગભગ ત્રણ મિલિયન ડોકયુમેન્ટની નવી બેચ જાહેર કરી હતી. આ ફાઈલ્સમાં વિશ્વભરના રાજકારણીઓ, સેલિબ્રિટીઓ, ઉદ્યોગપતિ અને રાજવી પરિવારના સભ્યોના નામ સામે આવતા ખળભળાટ મચી ગાયો છે.

આ પણ વાંચો…એપસ્ટીન ફાઈલ્સઃ બિલ ક્લિન્ટન હોટ ટબમાં જોવા મળ્યા, કોન્ટેક્ટ બુકમાં ટ્રમ્પનું નામ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button