ટ્રમ્પની ‘સરમુખત્યારશાહી’ સામે યુએસમાં લોકજુવાળ; ‘નો કિંગ્સ’ રેલીઓમાં લાખો લોકો ઉમટ્યા

વોશિંગ્ટન ડીસી: બીજી વાર યુનાઇટેડ સ્ટેટ્સ(US)ના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પના એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લઇ રહ્યા છે, છેલ્લા 18 દિવસથી યુએસમાં શટ ડાઉન પણ લાગુ છે. એવામાં યુએસની જનતામાં ધીમે ધીમે ટ્રમ્પ વિરુદ્ધ રોષ ફેલાઈ રહ્યો છે. શનિવારે યુએસમાં 2000 થી વધુ જગ્યાએ ‘નો કિંગ્સ’ રેલીઓ યોજાઈ (No King Rallies in US) હતી, જેમાં લાખો પ્રદર્શનકરીઓએ ભાગ લીધો હતો. રેલીઓમાં ટ્રમ્પ વહીવટીતંત્રનો જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો હતો.
તાજેતરમાં યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે રાજકીય વિરોધીઓ પર કાર્યવાહી, ઇમિગ્રેશન રેઇડ અને યુએસ શહેરોમાં ફેડરલ સૈનિકો તૈનાત કરવા જેવા કેટલાક વિવાદાસ્પદ પગલા ભર્યા હતાં. યુએસના શહેરોમાં એકઠા થયેલા હજારો પ્રદર્શનકારીઓએ ટ્રમ્પના નિરંકુશ વલણ અને લોકશાહી વિરોધી પગલાં સામે અવાજ ઉઠાવ્યો હતો. સત્તાધારી રિપબ્લિકન પાર્ટીએ આ રેલીઓને ‘હેટ અમેરિકા રેલીઓ’ ગણાવી હતી.
રેલીઓને નેતાઓનું સમર્થન:
પહેલી ‘નો કિંગ્સ’ વિરોધ પ્રદર્શન રેલી જુન મહિનામાં યોજાઈ હતી, ત્યાર બાદ ટ્રમ્પ વહીવટીતંત્રે લીધેલા કેટલાક વિવાદાસ્પદ નિર્ણયોને કારણે હાલમાં રેલી દરમિયાન પ્રદર્શનકરીઓની સંખ્યા વધી હતી. અહેવાલ મુજબ લગભગ 300 ગ્રાસરૂટ જૂથો દ્વારા ‘નો કિંગ્સ’ વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીઓનો ઘણા રાજકીય નેતાઓએ સમર્થન આપ્યું હતું.
પાટનગરમાં ભારે વિરોધ:
યુએસના પાટનગર વોશિંગ્ટન ડી સીમાં હજારો પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને યુએસ કેપિટોલ બિલ્ડીંગ તરફ કૂચ કરી હતી. પ્રદર્શનકારીઓએ પ્લેકાર્ડ્સ, યુએસ રાષ્ટ્રીય ધ્વજ અને ફુગ્ગાઓ લઇને પહોંચ્યા હતાં, કેટલાક પ્રદર્શનકરીઓ અલગ અલગ પ્રકારના કોસ્ચ્યુમ પહેરીને ઉમટ્યા હતાં. પ્રદર્શનકારીઓ ટ્રમ્પ વિરુદ્ધ નારેબાજી કરી હતી.
ટ્રમ્પે શું કહ્યું?
વોશિંગ્ટન ઉપરાંત, ન્યૂ યોર્ક, બોસ્ટન, શિકાગો અને એટલાન્ટામાં શહેરોમાં યોજાયેલી ‘નો કિંગ્સ’ રેલીઓમાં પણ મોટી સંખ્યામાં પ્રદર્શનકરીઓ ઉમટી પડ્યા હતા.
શનિવારે થયેલા વિરોધ પ્રદર્શનો બાદ ટ્રમ્પે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ શુક્રવારે એક ન્યુઝ ચેનલ સાથેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું ટ્રમ્પે કહ્યું, “તેઓ મને રાજા કહી રહ્યા છે – હું રાજા નથી.”
આ પણ વાંચો…H-1B વિઝા ફીમાં વધારો ગેરકાયદે! US ચેમ્બર ઓફ કોમર્સે ટ્રમ્પ સરકાર વિરુદ્ધ માંડ્યો મુકદ્દમો…