તુર્કીયેના કિનારે સ્થળાંતરિતોની બોટ ડૂબી: ઓછામાં ઓછા 16નાં મોત
અંકારા: સ્થળાંતરિતોને લઈ જઈ રહેલી રબરની ડિન્ગી શુક્રવારે તુર્કીયેના ઉત્તર એજીયન બંદર નજીક ડૂબી જતાં ઓછામાં ઓછા 16 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
કોનાક્કાલે પ્રાંતના એસિયાબેટ શહેર નજીકના સમુદ્રમાંથી તુર્કીશ કોસ્ટ ગાર્ડના જવાનોએ બે સ્થળાંતરિતોને બચાવી લીધા હતા, જ્યારે અન્ય બે લોકો પોતાની રીતે સમુદ્રકિનારે પહોંચવામાં સફળ થયા હતા એમ ગવર્નર ઈલહામી અક્તાસે કહ્યું હતું.
આ બોટ પર કેટલા લોકો હતા તે હજી સુધી સ્પષ્ટ થયું નથી અને કોસ્ટગાર્ડ આ વિસ્તારમાં અન્ય લોકોની શોધખોળ ચલાવી રહ્યું છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.અક્તાસે કહ્યું હતું કે મૃતકોમાં ચાર બાળકો અને નવજાત શિશુ હતા.
સ્થળાંતરિતોની નાગરિકતા વિશેની જાણકારી હજી સુધી જાણવા મળી નહોતી.
કોસ્ટ ગાર્ડની 10 બોટ અને બે હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં સહભાગી થયા હતા અને કિનારા પર એમ્બ્યુલન્સને ખડે પગે રાખવામાં આવી હતી.
તાજેતરના વર્ષોમાં પ્રમાણ ઘટ્યું હોવા છતાં મિડલ ઈસ્ટ અને આફ્રિકાના લોકો તુર્કીયે બંદરથી પ્રયાણ કરીને ગ્રીસમાં જવાનો પ્રયાસ કરતા હોય છે તો કેટલાક લોકો ઈટાલી માટે તુર્કીયેથી પ્રયાણ કરતા હોય છે. યુરોપીયન દેશોમાં સારા જીવનધોરણની લાલચમાં આ લોકો સ્થળાંતર કરતા હોય છે.
તુર્કીશ કોસ્ટ ગાર્ડે કહ્યું હતું કે તેમણે આ અઠવાડિયે જ તુર્કીયે છોડીને જનારા 93 સ્થળાંતરિતોને પકડ્યા હતા. (એજન્સી)