
ટેકનોલોજી ક્ષેત્રમાં અગ્રેસર ગણાતી માઈક્રોસોફ્ટ કંપનીના કર્મચારી માટે માઠા સમાચાર સામે આવ્યા છે. માઇક્રોસોફ્ટે તાજેતરમાં 9,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે વૈશ્વિક ટેક ઉદ્યોગ મંદી અને ખર્ચ ઘટાડાના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આ છટણી વૈશ્વિક કર્મચારીઓના લગભગ 4 ટકા જેટલી છે. ઉલ્લેખનીય છે કે 2025ની ટેક કંપની ત્રીજી સૌથી મોટી છટણી ગણવામાં આવે છે. આ ઘટનાએ ટેક ઉદ્યોગમાં ચાલી રહેલા પરિવર્તનો અને ઓટોમેશનના વધતા પ્રભાવને ઉજાગર કર્યો છે.
છટણીની વિગતો
માઇક્રોસોફ્ટે બુધવારે જાહેર કર્યું કે આ છટણી મુખ્યત્વે તેના વેચાણ વિભાગ અને Xbox વિડિયો ગેમ વ્યવસાયને અસર કરશે. આ પહેલાં મે મહિનામાં 6,000 અને ત્યારબાદ એક સપ્તાહમાં 300થી વધુ કર્મચારીઓને હટાવવામાં આવ્યા હતા. કંપનીનું કહેવું છે કે આ પગલું બદલાતા બજારની જરૂરિયાતોને અનુરૂપ સંગઠનાત્મક પુનર્ગઠનનો ભાગ છે, જેનો ઉદ્દેશ્ય કંપનીને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે.
એઆઇ અને ઓટોમેશનની અસર
માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ જણાવ્યું કે આ છટણી કર્મચારીઓના પ્રદર્શનને લગતી નથી, પરંતુ કંપનીની ભાવિ રણનીતિ અને AIમાં વધતા રોકાણનો ભાગ છે. AI અને ઓટોમેશનના કારણે ઘણી પ્રક્રિયાઓ સ્વચાલિત થઈ રહી છે, જેનાથી કર્મચારીઓની જરૂરિયાત ઘટી છે. આ ઉપરાંત, કંપની મેનેજમેન્ટના સ્તરોને સરળ બનાવી રહી છે જેથી નિર્ણયો ઝડપથી લઈ શકાય અને ટીમો વધુ કેન્દ્રિત રહે.
ટેક ઉદ્યોગમાં વધતી છટણી
માઇક્રોસોફ્ટ ઉપરાંત અન્ય ટેક કંપનીઓ પણ આવા પગલા લઈ રહી છે. ચિપ ઉત્પાદક ઇન્ટેલે તાજેતરમાં કેલિફોર્નિયામાં 107 કર્મચારીઓને હટાવ્યા અને તેની ઓટોમોટિવ ચિપ યુનિટ બંધ કરી. એક અહેવાલ મુજબ, 2025માં 150થી વધુ ટેક કંપનીઓએ 63,823 કર્મચારીઓની છટણી કરી છે, જે દર્શાવે છે કે ટેક ઉદ્યોગ એઆઇ અને ઓટોમેશનના નવા યુગમાં પ્રવેશી રહ્યો છે.