મેક્સિકોમાં દુઃખદ માર્ગ અકસ્માત, પ્રવાસીઓથી ભરેલી બસ પલટતા 18ના મૃત્યુ, 29 ઘાયલ
મેક્સિકોઃ મેક્સિકોમાં ગયા શુક્રવારે એટલે કે 6 ઑક્ટોબરે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. વેનેઝુએલા અને હૈતીથી સ્થળાંતર કરી રહેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં બે મહિલાઓ અને ત્રણ બાળકો સહિત કુલ 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના વહેલી સવારે ઓક્સાકા અને પાડોશી રાજ્ય પુએબ્લાને જોડતા હાઈવે પર થઈ હતી.
બસ દુર્ઘટના મેક્સિકોના પાડોશી રાજ્ય પુએબ્લાની સરહદ નજીક સ્થિત ટેપેલેમેમ શહેરમાં બની હતી. ત્યાંના અધિકારીઓના જણાવ્યા અનુસાર બસ દુર્ઘટનામાં કુલ 29 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેક્સિકોની નેશનલ ઈમિગ્રેશન એજન્સીના જણાવ્યા અનુસાર બસમાં 55 વિદેશી નાગરિકો હાજર હતા. તેમાં પેરુના લોકો પણ હતા.
માર્ગ અકસ્માતનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ અમેરિકા જતા અનેક ઇમિગ્રન્ટ્સ આવા અકસ્માતોનો ભોગ બને છે. ગરીબીથી પીડાતા લેટિન અમેરિકાના દેશોના નાગરિકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસવા માગે છે. યુ.એસ.-મેક્સિકો સરહદ સુધી પહોંચવા માટે વિવિધ દેશોના હજારો લોકો સ્થળાંતર બસો, ટ્રેલર અને માલસામાન ટ્રેનોનો ઉપયોગ કરે છે. ગયા રવિવારે ચિયાપાસમાં આવો જ એક અકસ્માત થયો હતો. જ્યાં ક્યુબન ઇમિગ્રન્ટ્સને લઇ જતી માલવાહક ટ્રક પલટી ગઇ હતી, જેમાં ઓછામાં ઓછા 10 ક્યુબન ઇમિગ્રન્ટ્સ મૃત્યુ પામ્યા હતા અને 25 ઘાયલ થયા હતા.
ગયા મહિને 189,000 થી વધુ સ્થળાંતર કરનારાઓની ધરપકડ કરવામાં આવી હતી. યુએસ બોર્ડર પેટ્રોલે ઑક્ટોબર 2022 અને ઑગસ્ટ 2023 વચ્ચે 1.8 મિલિયન માઇગ્રન્ટ્સ સરહદ પાર કર્યાની જાણ કરી છે.
મેક્સીકન સત્તાવાળાઓએ સ્થળાંતર કરનારાઓને યોગ્ય દસ્તાવેજો વિના નિયમિત બસોની ટિકિટ ખરીદવાની મનાઈ ફરમાવી છે. આથી જ જેમની પાસે દાણચોરોને ભાડે આપવાના પૈસા નથી તેઓ ઘણીવાર ખરાબ જાળવણીવાળી બસોનો આશરો લે છે. જેઓ રોકવાથી બચવા માટે વધુ સ્પીડમાં વાહન ચલાવે છે અને અકસ્માતનો ભોગ બને છે.