પ્રેક્ષકોએ હુરિયો બોલાવતાં મેસી હરખાયો, પણ રોનાલ્ડો ભડકી ગયો!
800 મૅચમાં વિજય સેલિબ્રેટ કરનાર રોનાલ્ડો વિશ્વનો પ્રથમ ખેલાડી

રિયાધ: લેજન્ડરી ફુટબોલર અને સેલિબ્રિટી ખેલાડીનું મેદાન પર, અખબારો-સામયિકોમાં, સોશિયલ મીડિયામાં કે ઝાકઝમાળવાળા સમારંભોમાં ભલે ગમે એવું વજન પડતું હોય કે પ્રભુત્વ ધરાવતા હોય, પણ સ્ટેડિયમમાં મૅચ દરમ્યાન જો અમુક પ્રેક્ષકોનું જૂથ એક થઈને એ જ દિગ્ગજ ખેલાડીને લક્ષ્યાંક બનાવે તો તેનો મૂડ બદલી શકે છે. પ્રેક્ષકોમાં આટલી તાકાત હોય છે. હા, એ જ પ્રેક્ષકો મર્યાદામાં રહીને સૂત્રો પોકારે તો ઠીક છે, નહીં તો સલામતી અધિકારીઓની જાળમાં ફસાઈ શકે છે.
છેલ્લા થોડા દિવસ દરમ્યાન વર્તમાન ફુટબૉલ જગતના બે સુપરસ્ટાર લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને લગતી અલગ-અલગ ઘટના બની હતી જેમાં તેઓ પ્રેક્ષકોના બૂમબરાડાનો શિકાર થયા હતા. જોકે બન્ને દિગ્ગજોએ એમાં ભિન્ન માનસિક પ્રતિક્રિયા બતાવી હતી.
અમેરિકાના ફોર્ટ લૉડરડેલમાં 13મી માર્ચે ઇન્ટર માયામી અને નૅશવિલ વચ્ચે કૉન્કેકૅફ ચૅમ્પિયન્સ કપની મૅચ રમાઈ હતી. એમાં માયામીએ નૅશવિલને 3-1થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આર્જેન્ટિનાના સુપરસ્ટાર ખેલાડી અને વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન લિયોનેલ મેસીએ 23મી મિનિટમાં ગોલ કરીને માયામીની ટીમની સરસાઈ વધારીને 2-0ની કરી હતી. એ મૅચ દરમ્યાન મેસીએ ગોલ કર્યો એની થોડી ક્ષણો પહેલાં કેટલાક રોનાલ્ડો-તરફી પ્રેક્ષકોએ ‘રોનાલ્ડો…રોનાલ્ડો…’ની બૂમો પાડીને મેસીને ઉશ્કેરવાનો તેમ જ તેની હાંસી ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મૅચમાં રોનાલ્ડો નહોતો રમ્યો, પણ તેના ચાહકોએ મેસીની એકાગ્રતા તોડવાની કોશિશ કરી હતી. જોકે મેસી જરા પણ ભડક્યો નહોતો કે ગુસ્સે નહોતો થયો. નકારાત્મક પ્રતિક્રિયા આપવાને બદલે તે ખૂબ હસતાં હસતાં રમ્યો હતો અને ગોલ ફટકારી દીધો હતો.
બીજી તરફ, પાંચ વખત વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ ફુટબોલરનો પુરસ્કાર જીતી ચૂકેલા પોર્ટુગલના રોનાલ્ડોએ આવી જ ઘટનામાં ગુસ્સો બતાડ્યો હતો. રોનાલ્ડો સાઉદી અરેબિયાની અલ-નાસર ટીમમાં છે. સાઉદી પ્રો લીગમાં અલ-અહલી સાઉદી સામેની મૅચમાં રોનાલ્ડો રમી રહ્યો હતો ત્યારે એક સ્ટૅન્ડમાંથી કેટલાક પ્રેક્ષકોએ રોનાલ્ડોને ઉશ્કેરવા ‘મેસી…મેસી…’ની બૂમો પાડી હતી. રોનાલ્ડોએ ગોલ કરીને અલ-નાસરને આ મૅચ 1-0થી જિતાડી હતી, પરંતુ મૅચ દરમ્યાન પ્રેક્ષકોના સૂત્રોને કારણે રોનાલ્ડો ઉશ્કેરાયો હતો અને બૉલને કિક લગાવીને દૂર મેદાનની બહાર મોકલી દીધો હતો. પછીથી રોનાલ્ડોએ રેફરીના એક નિર્ણય સામે વિરોધ પણ કર્યો હતો.
દરમ્યાન રોનાલ્ડો આ અઠવાડિયે કરીઅરનો 800મો વિજય મેળવનાર વિશ્ર્વનો પ્રથમ ફુટબોલર બન્યો હતો. તેની સરખામણીમાં મેસીના નામે મૅચોના વિજયની સંખ્યા 715ની આસપાસ છે.