ભારત-કેનેડા સંબંધો ફરી ટ્રેક પર! વેપાર, ટેકનોલોજી અને સંરક્ષણમાં સહયોગ વધારવા સહમતી…

જોહાનિસબર્ગ: છેલ્લા કેટલાક સમયથી ભારત અને કેનેડાના વણસેલા સંબંધો સુધારવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાનાં જોહાનિસબર્ગમાં યોજાયેલી G20 સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાનાં વડા પ્રધાન માર્ક કાર્ની વચ્ચે બેઠક યોજાઈ હતી, આ દરમિયાન બંને દેશ વચ્ચે વેપાર, રોકાણ અને ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં સંબંધોને વધુ ગાઢ બનાવવા સમજુતી કરવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીના જણાવ્યા મુજબ વર્ષ 2030 સુધીમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 50 અબજ ડોલર સુધી લઇ જવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે, હાલ આ આ આંકડો લગભગ 30 અબજ ડોલર છે.
વડાપ્રધાન મોદીના જણાવ્યા મુજબ ભારત અને કેનેડામાં વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવાની ઘણી સંભાવના રહેલી છે. કેનેડિયન પેન્શન ફંડ્સ પણ ભારતીય કંપનીઓમાં ઊંડો રસ દાખવી રહ્યા છે.
કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની સાથે બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું, અમે ડિફેન્સ અને સ્પેસ ક્ષેત્રોમાં વધુ ગાઢ સહયોગની સંભાવનાઓને ખોલવા અને નજીકના ભવિષ્યમાં ફરી મળવા માટે પણ સંમત થયા.
G20 દરમિયાન ભારત, ઓસ્ટ્રેલિયા અને કેનેડા વચ્ચે ત્રિપક્ષીય ટેકનોલોજી અને ઇનોવેશન પાર્ટનરશીપની જાહેરાત કરવાંમાં આવી હતી.
જૂનમાં G7 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ કેનેડાની મુલાકાત લીધી હતી, આ દરમિયાન તેમણે માર્ક કાર્ની સાથેની મુલાકાત કરી હતી, ત્યાર બાદથી બંને દેશો વચ્ચે સંબંધો ધીમે ધીમે સુધર્યા છે. બંને પક્ષોએ વાટાઘાટો ફરીથી શરૂ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો…યુએનએસસીના વિસ્તરણ અંગે પીએમ મોદીનું મોટું નિવેદન, કહ્યું વિસ્તરણ સમયની અનિવાર્યતા



