Video: ઈરાકના અલ-કુત શહેરમાં મોલમાં વિકરાળ આગ, 60થી વધુના મોત

બગદાદ: મધ્યપૂર્વના દેશ ઈરાકના અલ-કુત શહેરમાં એક મોલમાં ભીષણ આગ ફાટી નીકળતા 60થી વધુ લોકોના મોત થયાના (Massive fire in Al-Kut Iraq) અહેવાલ છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શેર કરવામાં આવેલા વિડિયોઝ અને ફોટોઝમાં જોઈ શકાય છે કે રાતના સમયે એક પાંચ માળની બિલ્ડીંગમાં આગની જવાળા ભભૂકી રહી છે અને ધુમાડાના ગોટા નીકળી રહ્યા છે. ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવા પ્રયાસ કરી રહી છે. જો કે આ વિડીયોની ખરાઈ થઇ શકી નથી.
એક આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી સાથે વાત કરતા અલ-કુત શહેરના એક અધિકારીએ જણાવ્યું કે 59 મૃતકોની ઓળખની પુષ્ટિ થઈ ગઈ છે, પરંતુ એક મૃતદેહ સંપૂર્ણ રીતે બળી ગયો છે, તેની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ છે.
વાસિત પ્રાંતના ગવર્નર મોહમ્મદ અલ-મિયાહીએ જણાવ્યું હતું કે અમે ઇમારત અને મોલના માલિક સામે કેસ દાખલ કર્યો છે અને તાપસ કરવામાં આવી રહી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી, પ્રારંભિક તપાસના પરિણામો બે દિવસમાં જાહેર કરવામાં આવશે.