Maldives politics: ભારત સાથેના વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુની પાર્ટીને મોટો ફટકો, મેયરની ચૂંટણીમાં હાર | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Maldives politics: ભારત સાથેના વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુની પાર્ટીને મોટો ફટકો, મેયરની ચૂંટણીમાં હાર

માલે: ભારત સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુની પાર્ટીને ઝટકો લાગ્યો છે. માલદીવની રાજધાની માલેમાં યોજાયેલી મેયરની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુની પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC) પાર્ટીની હાર થઇ છે. ભારત તરફી વિપક્ષ માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) એ શનિવારે (13 જાન્યુઆરી) રાજધાની માલેની મેયરની ચૂંટણીમાં જીત મેળવી હતી.

મુઈઝુ માલેના મેયર રહી ચૂક્યા છે, તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે મેયર પદ પરથી રાજીનામું આપ્યું હતું.PNC ઉમેદવાર આશથ અઝીમા શકુરને MDP ઉમેદવાર આદમ અઝીમ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

માલદીવના મીડિયા અહેવાલ મુજબ, પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC) ના આઈશાથ અઝીમા શકુરને 3,301 વોટ મળ્યા, જ્યારે 41 રાઉન્ડની મતગણતરી બાદ અઝીમને કુલ 5303 વોટ મળ્યા.રાષ્ટ્રપતિ મુઇઝુ ચીનની પાંચ દિવસની સરકારી મુલાકાત બાદ શનિવારે માલે પરત ફર્યા હતા. માલદીવ પરત ફરતાની સાથે જ તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમારી સાથે દાદાગીરી કરવાનું લાયસન્સ કોઈની પાસે નથી.

મુઈઝુએ કહ્યું કે અમે ભલે નાનો દેશ હોઈએ પરંતુ તે કોઈને ધમકાવવાનું લાયસન્સ આપતું નથી. જો કે મુઈઝુએ કોઈ પણ દેશનું નામ લઈને આ નિવેદન આપ્યું ન હતું, પરંતુ એવું માનવામાં આવે છે કે તેમનું નિશાન ભારત તરફ છે.MDPનું નેતૃત્વ ભારત તરફી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહ કરી રહ્યા છે, જેઓ મહિના અગાઉ ચીન તરફી નેતા મુઇઝુ સામે રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા હતા.

Back to top button