નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસે રૂ. 13.27 કરોડની સ્થાવર-જંગમ મિલકતો જાહેર કરી
નાગપુર: 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે નાગપુરની દક્ષિણ પશ્ર્ચિમ બેઠક પરથી ઉમેદવારી નોંધાવતા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે સોગંદનામામાં 13.27 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો જાહેર કરી હતી. ટેક્સ રિટર્ન ફોર્મ અનુસાર તેમની કુલ આવક 2023-24માં 79.30 લાખ રૂપિયા રહી હતી, જ્યારે 2022-23માં તે 92.48 લાખ રૂપિયા રહી હતી.
| Also Read: ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકી યુવાનની હત્યા: આરોપી પાંચ કલાકમાં પકડાયો
ફડણવીસે પોતાના નામે 56.07 લાખ રૂપિયાની જંગમ મિલકત, પત્ની અમૃતાના નામે 6.96 કરોડ રૂપિયા અને પુત્રીના નામે 10.22 લાખ રૂપિયાની મિલકતો જાહેર કરી છે. સોગંદનામા અનુસાર ભાજપના વરિષ્ઠ નેતા પાસે 23,500 રૂપિયા રોકડા છે, જ્યારે તેમની પત્નીના કિસ્સામાં આ આંકડો 10 હજાર રૂપિયા છે.
નાણાકીય સંસ્થાઓ, એનબીએફસી અને સહકારી સોસાયટીઓમાં મુદતી થાપણો અને થાપણો સહિત બેન્ક એકાઉન્ટમાં 2.28 લાખ રૂપિયાની થાપણ છે, જ્યારે પત્નીને નામે તે 1.43 લાખ રૂપિયા છે. તેમણે બોન્ડ્સ, ડિબેન્ચર્સ, શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કર્યું નથી, પણ એનએસએસ, પોસ્ટલ બચત, વીમા પોલિસી અને નાણાકીય સાધનોમાં 20.70 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમની પત્નીના નામે બોન્ડ્સ, ડિબેન્ચર્સ, શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં 5.62 કરોડ રૂપિયા બોલાય છે.
| Also Read: સમાજવાદી પાર્ટીએ મહા વિકાસ આઘાડીને આપ્યું અલ્ટિમેટમઃ 5 સીટ આપો નહીં તો…
ફડણવીસ 32.85 લાખ રૂપિયાના મૂલ્યના 450 ગ્રામ સોનાના દાગીના અને પત્ની 65.70 લાખ રૂપિયાના (900 ગ્રામ) દાગીના ધરાવે છે. તેમણે 4.68 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત જાહેર કરી છે, જેમાં ચંદ્રપુરમાં કૃષિ જમીન, નાગપુરના ધરમપેઠમાં નિવાસી ઇમારત અને તેમની પત્નીના નામે 95.29 લાખ રૂપિયાની અન્ય મિલકતોનો સમાવેશ થાય છે.
તેમણે પત્ની પાસેથી 62 લાખ રૂપિયાની લોન લીધી છે અને બેન્ક કે નાણાકીય સંસ્થા પાસેથી કોઇ લોન લીધી નથી તેમ જ બાકીના લેણાં પણ નથી. ફડણવીસ અને તેમની પત્નીના નામે કોઇ નોંધણીકૃત વાહન નથી. તેમની વિરુદ્ધ ચાર એફઆઇઆર અને ચાર કેસ પેન્ડિંગ છે. (PTI)