કુદરત સામે ઘુટણિયે પડ્યું અમેરિકા, કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગથી અબજો ડોલરનું થયું નુક્સાન…
અમેરિકાના સૌથી વધુ વસતી ધરાવતા કેલિફોર્નિયાના લોસ એન્જેલસ ખાતે જંગલોમાં લાગેલી આગમાં અમેરિકાને ભારે નુક્સાની વેઠવાનો વારો આવ્યો છે. કુદરત સામે અમેરિકા પણ લાચાર બની ગયું છે. જંગલોમાં લાગેલી આગ કાબુમાં આવી નથી રહી. આગને કારણે 10 લોકોના મૃત્યુ થયા છે. અમેરિકા હાલમાં તો આ આગને કાબુમાં લેવા સંઘર્ષ કરી રહ્યું છે. આગને કારણે અમેરિકાને અબજો ડોલરનું નુક્સાન થયું છે. આર્થિક બાબતોના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગને કારણે આશરે 135 બિલિયન ડોલરથી 150 બિલિયન ડૉલરનું નુક્સાન થવાનો અંદાજ છે, જે કેલિફોર્નિયાના વાર્ષિક બજેટમાં 4 ટકા જેટલું છે.
આ પણ વાંચો : California Wildfires: મહાસત્તા બની લાચાર, અબજો ડોલરનું નુકસાન, હજારો ઘર બળીને ખાખ
કેલિફોર્નિયાના દક્ષિણ પ્રાંતમાં લાગેલી આગે હોલિવૂડને પણ ભરડામાં લઇ લીધું છે. હજારો એકર જમીનમાં ફેલાયેલી આ આગમાં હજારો ઇમારતોને નુક્સાન થયું છે, જંગલોનો નાશ થઇ ગયો છે, પ્રાણીઓના મોત થયા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે.
અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં આગ લાગવાની ઘટના તો ઘણી જ સામાન્ય છે. જૂન અને જુલાઇ મહિનામાં અહીંના સૂકા ભઠ વિસ્તારોમાં આગ લાગતી જ હોય છે, પણ આ જાન્યુઆરી મહિનો છે, જ્યારે આગ લાગી છે. અહીંના જંગલોમાં આગ છેલ્લા કેટલાક સમયથી ભડકી જ રહી હતી, પણ એવામાં અહીં 150થી 160 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો, જેણે બળતામાં ઘી હોમ્યું હતું અને જંગલોની આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.
જોતજોતામાં તો આગે અનેક ઇમારતોને અડફેટમાં લઇ લીધી હતી. લોકોએ પોતાના ઘર, ઇમારત છોડીને સલામત સ્થળે આશરો લેવો પડ્યો હતો. એક આંકડા મુજબ આગમાં આશરે 10 હજાર જેટલા ઘરો અને ઇમારતો બળીને રાખ થઇ ગઇ છે. આગ એટલી વિકરાળ છે કે જગત જમાદાર અમેરિકાને પણ તેની પર કાબુ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. એક અંદાજ પ્રમાણે 180,000 થી વધુ રહેવાસીઓએ તેમના ઘરો ખાલી કરી સલામત સ્થળે આશરો લીધો છે.
કેલિફોર્નિયાના લોસ એન્જેલસના માલિબુથી સાન્ટા મોનિકા સુધીના વિસ્તારમાં અમેરિકાની સૌથી મોંઘી મિલકતો આવેલી છે. હોલિવૂડની ઘણી સેલિબ્રિટી અહીં વસે છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે આગને કારણે સલિબ્રિટી બ્રિટની સ્પીઅર્સને પણ તેનું ઘર છોડીને નીકળી જવું પડ્યું છે. સેલિબ્રિટીઓની ઇમારતોને આગને કારણે ભારે નુક્સાન થયું છે.
જંગલોમાં લાગી રહેલી આગને કારણે અમેરિકા પણ ચિંતામાં છે. દર વર્ષે અમેરિકાના જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ બનતી જ હોય છે. કેલિફોર્નિયા તો અહીંનું એકદમ સૂકું રાજ્ય છે. અહીં છેલ્લા ઘણા સમયથી વરસાદ નથી પડ્યો.
કેલિફોર્નિયાના જંગલોમાં તો આગ લાગવાની ઘટના ઘણી જ સામાન્ય છે. સિગરેટનું એક ઠુંઠુ પડે તો પણ અહીં આગ લાગી જતી હોય છે. સાતમી જાન્યુઆરીના રોજ અહીંના જંગલોમાં આગ લાગી હતી. આ આગને ‘આધુનિક યુએસ ઇતિહાસમાં સૌથી મોંઘી જંગલી આગ ગણાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં તો આગથી લોસ એન્જેલસના 60 ટકા જંગલો આગમાં રાખ થઇ ગયા છે અને આગ પર હજી સુધી કાબુ નથી આવ્યો. એ જોતા આગથી અમેરિકાને ભયંકર આર્થિક નુક્સાન વેઠવાનો વારો આવશે એ તો નક્કી જ છે.
આ પણ વાંચો : Los Angeles Fire: આગના કારણે નોરા ફતેહીને હોટલમાંથી કાઢવામાં આવી બહાર, કહ્યું- ખૂબ ડરામણું છે
અમેરિકા પર અબજો ડોલરનું દેવું છે. એવામાં યુએસ ઈતિહાસની સૌથી મોંઘી કુદરતી આપદા એવી કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગને કારણે તેને ભારે નુક્સાન થયું છે અને આગ હજુ પણ કાબુમાં નથી આવી, તેથી નુક્સાન વધતું જ જઇ રહ્યું છે. આગમાં તેની લાખો ઇમારતોને અસર થઇ છે. આ ઇમારતોના પુનઃનિર્માણનો પણ તોતીંગ ખર્ચો આવશે, એ જોતા લાગે છે કે અમેરિકા આર્થિક ભીંસમાં મૂકાઇ જશે.