લંડનમાં ઇમિગ્રન્ટ્સ વિરોધી હિંસાઃ અંગ્રેજોએ પોતાના જ દેશમાં 'આઝાદી' માટે લડત ચલાવી?
ઇન્ટરનેશનલ

લંડનમાં ઇમિગ્રન્ટ્સ વિરોધી હિંસાઃ અંગ્રેજોએ પોતાના જ દેશમાં ‘આઝાદી’ માટે લડત ચલાવી?

મસ્કે બળતામાં ઘી હોમતા કહ્યું 'બ્રિટનમાં સત્તા પરિવર્તન જરુરી છે'

લંડનઃ નેપાળ અને ફ્રાન્સ બાદ હવે ઇંગ્લેન્ડમાં અંધાધૂંધી ફેલાઇ છે. બ્રિટનમાં ઈમિગ્રેશન વિરુદ્ધ આંદોલનનું સ્વરુપ હિંસક બન્યું છે. લાખો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે ત્યારે અબજોપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્કે પણ બળતામાં ઘી હોમતા કહ્યું છે કે હવે બ્રિટનમાં સત્તા પરિવર્તનની જરુરિયાત છે.

પ્રદર્શનકારીઓ પાસે હવે ફક્ત બે વિકલ્પ છે લડો અથવા મરો. લંડનના મધ્ય વિસ્તારમાં એક લાખથી વધુ પ્રદર્શનકારીઓએ ઇમિગ્રેશન વિરોધી માર્ચ કાઢી હતી. આ વિરોધ પ્રદર્શન બ્રિટનના એન્ટી-ઇમિગ્રેશન એક્ટિવિસ્ટ ટોમી રોબિન્સનના નેતૃત્વમાં યોજાયું હતું.

‘યુનાઇટેડ ધ કિંગડમ’ માર્ચ નામથી આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં ૧ લાખ ૧૦ હજાર લોકોએ ભાગ લીધો હતો. પરંતુ રેલી દરમિયાન રોબિન્સન સમર્થકોનું એક જૂથ પોલીસ અને વિરોધીઓ સાથે અથડામણમાં ઉતરતા હિંસા ફાટી નીકળી હતી.

26 પોલીસકર્મી થયા ઘાયલ
રેલી દરમિયાન કેટલાક પોલીસ અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ પર બોટલો ફેંકવામાં આવી હતી. કેટલાક અધિકારીઓને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. પરિસ્થિતિ વધુ વણસતા રમખાણ વિરોધી ટુકડીઓ તૈનાત કરવાની ફરજ પડી હતી.

મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર આ હિંસામાં ૨૬ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. જેમાંથી ચારને ગંભીર ઇજાઓ પહોંચી હતી. કેટલાકના નાક તો કેટલાકના દાંત તૂટ્યા હતા, જ્યારે એક અધિકારીને કરોડરજ્જુમાં ઇજા થઇ હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં ૨૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમ જ વધુ તપાસ ચાલુ છે.

રેલીમાં 1.50 લાખ લોકોએ લીધો બાગ
આ અંગે આસિસ્ટન્ટ કમિશ્નર મેટ ટ્વિસ્ટે જણાવ્યું કે ઘણા લોકો શાંતિપુર્ણ રીતે આવ્યા હતા, પરંતુ મોટી સંખ્યામાં લોકો હિંસા ભડકાવવાના ઇરાદે પહોંચ્યા હતા. તેઓએ પોલીસ પર હુમલો કર્યો અને સુરક્ષા ઘેરો તોડવાનો પ્રયાસ કર્યો હતો.

આ રેલીમાં ૧,૧૦,૦૦૦થી ૧,૫૦,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો. જ્યારે તેના જવાબમાં માર્ચ અગેન્સ્ટ ફાસિઝમ નામથી આયોજિત રેલીમાં લગભગ ૫૦૦૦ લોકો જોડાયા હતા.

ગેરકાયદે ઈમિગ્રશન અટકાવો
લંડનની રેલીમાં મોટી સંખ્યામાં લોકો યુરોપિયન અને બ્રિટિશ ધ્વજ અને સેન્ટ જ્યોર્જ ક્રોસ લઇને ઉમટી પડ્યા હતા. એકઠા થયેલા લોકોએ ‘અમને અમારો દેશ પાછો જોઇએ છે’ અને ‘અમને અમારી વાણી સ્વતંત્રતા પાછી જોઇએ છે’ જેવા નારા લગાવ્યા હતા.

રેલીનું આયોજન સરકાર ગેરકાયદે ઇમિગ્રેશન અટકાવે, દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પુનઃસ્થાપિત કરે અને બ્રિટિશ સંસ્કૃતિ અને ઓળખનું રક્ષણ કરે તેવી માંગને લઇને કરવામાં આવ્યું હતું.

અભિવ્યક્તિની આઝાદી માટે કૂચ
રેલીમાં પ્રદર્શનકારીઓએ અમેરિકન કન્ઝર્વેટિવ નેતા ચાર્લી કિર્કને યાદ કર્યા હતા. તાજેતરમાં થયેલી તેમની હત્યા અંગે શોક પણ વ્યક્ત કર્યો હતો. તેમની યાદમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

ટોમી રોબિન્સનનું સાચું નામ સ્ટીફન યેક્સલી-લેનન છે. તેમણે આ કૂચને અભિવ્યક્તિની સ્વતંત્રતા તરીકે રજૂ કરી છે. રોબિન્સન પોતાને પત્રકાર ગણાવે છે. તેઓ સરકારી ખામીઓને ઉજાગર કરે છે અને અમેરિકન અબજોપતિ એલોન મસ્ક જેવા પ્રભાવશાળી લોકોને પોતાના સમર્થકો ગણાવે છે.

X

વિદેશીઓ સામે નફરત ફેલાવવાનો આરોપ
હાલ બ્રિટનમાં સ્થળાંતરનો મુદ્દો ભારે ચર્ચામાં છે. દેશની નબળી પડી રહેલી અર્થવ્યવસ્થા છતાં લોકો આ મુદ્દા પર ધ્યાન આપી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૨૮૦૦૦થી વધુ લોકો નાની હોડીઓમાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને બ્રિટન પહોંચ્યા છે. દેશમાં રસ્તાઓ પર લાલ-સફેદ અંગ્રેજી ધ્વજ વધુ જોવા મળી રહ્યા છે.

સમર્થકો તેને દેશભક્તિ ગણાવે છે, જ્યારે વિરોધીઓ તેને વિદેશી લોકો સામે નફરત ફેલાવવાનું ગણાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નેપાળ અને ફ્રાન્સમાં પણ મોટા પાયે રાજકીય અને સામાજિક ઉથલ-પાથલ જોવા મળી છે.
બ્રિટનની જેમ અમેરિકામાં પણ ઇમિગ્રેશનના મુદ્દાને લઇને રાજકીય ધ્રુવીકરણ વધી રહ્યું છે.

ટ્રમ્પની હાજરીમાં એમએજીએ સમર્થક જૂથો ઉભરી રહ્યા છે, જે ઇમિગ્રન્ટ્સનો વિરોધ કરે છે. લંડનમાં આ રેલી ચાર્લી કિર્કની હત્યા બાદ આયોજિત કરવામાં આવી હતી.

કાં તો લડવું પડશે અને કાં તો મરવું પડશેઃ મસ્ક

london anti immigration march elon musk

લંડનમાં યોજાયેલા પ્રદર્શનમાં અમેરિકન ટેક અબજોપતિ ઇલોન મસ્કે પણ વીડિયો લિંકના માધ્યમથી ભાગ લીધો હતો. તેમણે ભીડને સંબોધતા બ્રિટિશ સંસદનું વિસર્જન અને સરકાર બદલવાની માંગ કરી હતી.

મસ્કે જણાવ્યું કે બ્રિટનની સુંદરતા હોવા છતાં દેશ સ્થળાંતરની એક ભીષણ લહેરથી ધીમે-ધીમે નાશ પામી રહ્યો છે. જો આ ચાલુ રહેશે તો લોકોએ ‘કાં તો લડવું પડશે અને કાં તો મરવું પડશે.’

મસ્કે અમેરિકન કન્ઝર્વેટિવ નેતા ચાર્લી કિર્કની હત્યાનો ઉલ્લેખ કરતાં ડાબેરી પક્ષોને ‘હત્યાનો ઉત્સવ ઉજવતી પાર્ટીઓ’ ગણાવી હતી તેમ જ સ્થાનિક લોકપ્રિય મીડિયા સંસ્થાઓ પર અભિવ્યક્તિની સ્વતંત્રતાને ખતમ કરવામાં મદદ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

મસ્કની આ હાજરી અને કટ્ટરપંથી વલણ સ્પષ્ટ કરે છે કે અમેરિકન એમએજીએ વિચારધારાના સમર્થકો બ્રિટિશ જમણેરી ચળવળોમાં જોડાઇ રહ્યા છે.

આ પણ વાંચો…નેપાળ અને ફ્રાંસ બાદ લંડનના રસ્તાઓ પર સર્જાયા આવા દૃશ્યો! આખા વિશ્વમાં કેમ વ્યાપી છે અશાંતિ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button