સીરિયામાં બાંગ્લાદેશ જેવા દ્રશ્યો: બશર અલ-અસદના પિતાની પ્રતિમાઓ ધ્વસ્ત કરાઈ, રસ્તાઓ પર ઉજવણી
નવી દિલ્હી: સીરિયામાં રાષ્ટ્રપતિ બશર અલ અસદની સરકાર પડી ભાંગી (Bashar Al-Assad gov has fallen) છે, બળવાખોર સંગઠન હયાત તહરિર અલ-શામ (HTS)ના રાજધાની દમાસ્કસ પર કબજા પહેલા રાષ્ટ્રપતિ અસદ દેશ છોડીને ભાગી ગયા. દમાસ્કસમાં બળવાખોરો ઉજવણી કરી રહ્યા છે. આ દરમિયાન સીરિયામાં બાંગ્લાદેશ જેવા દ્રશ્યો સર્જાયા હતા, બાંગ્લાદેશમાં શેખ હસીનાનું સાશન ભાંગી પડ્યા પછી જે રીતે શેખ મુજીબુર રહેમાનની પ્રતિમાઓને તોડી પાડવામાં આવી હતી, એ જ રીતે બશર અલ અસદના પિતા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હાફેઝ અલ-અસદની પ્રતિમાઓ તોડી પાડવામાં આવી છે.
કોણ હતાં હાફેઝ અલ-અસદ?
1970 માં બળવા દ્વારા સત્તા પર કબજો મેળવી હાફેઝ અલ-અસદ (Hafez Al-Assad) સીરિયાના વડા પ્રધાન બન્યા હતાં અને પછી વર્ષ 2000 માં તેમના મૃત્યુ સુધી સીરિયાના રાષ્ટ્રપતિ રહ્યા. ત્રણ દાયકાના શાસન દરમિયાન તેમણે સીરિયાને સ્થિરતા અપાવી અને મધ્યપૂર્વમાં સશક્ત દેશ તરીકે સીરિયાને સ્થાપિત કર્યું. તેમના પુત્ર, બશર અલ અસદ, તેમના અનુગામી બન્યા બે દાયકાથી વધુ સમય સુધી સીરિયા પર શાસન કર્યું. હવે સશસ્ત્ર બળવાએ તેમના શાસનને ઉથલાવી દીધું છે.
પ્રતિમાને લોકો લાત મારી રહ્યા છે:
સીરિયામાં શાસન બદલાતા દમાસ્કસ અને અન્ય શહેરોના રસ્તાઓ પર ઉજવણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સીરિયાના ચોથા સૌથી મોટા શહેર હમામાં પૂર્વ રાષ્ટ્રપતિ હાફેઝ અલ-અસદની પ્રતિમા તોડીને વાહન સાથે બાંધી ખેંચવામાં આવી. પ્રતિમાને તોડવાની સાથે ગોળીબાર અવાજ અને ‘અલ્લાહુ અકબર’ના નારા સંભળાયા હતાં.
એક વિડિયોમાં જોવા મળે છે કે એક વાહન સાથે બાકીની પ્રતિમાથી અલગ થયેલા માથાને રસ્તા પર ખેંચવામાં આવી રહ્યું છે. કેટલાક લોકો પ્રતિમાના માથાને લાત મારી રહ્યા છે. લતાકિયા શહેરમાં પણ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની પ્રતિમાને નીચે ખેંચવામાં આવી હતી.
અગાઉ પણ પ્રતિમાઓ તોડવામાં આવી છે:
ઇતિહાસ નજર કરીએ તો વિશ્વભરમાં સશસ્ત્ર બળવાથી સત્તા પરિવર્તન બાદ એવું જોવા મળ્યું છે કે, બળવાખોરો પૂર્વ નેતાઓની પ્રતિમાઓની તોડી પાડે છે. આ વર્ષની શરૂઆતમાં જ્યારે બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ઉથલાવી દેવામાં આવી ત્યારે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ અને શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાનની પ્રતિમાઓને તોડવામાં આવી હતી. સીરિયાના દ્રશ્યો 2003ના ફૂટેજની પણ યાદ અપાવે છે, જેમાં ઈરાકમાં સત્તા પરિવર્તન બાદ બગદાદમાં ભૂતપૂર્વ સરમુખત્યાર સદ્દામ હુસૈનની પ્રતિમાને અમેરિકન સેનાએ તોડી પાડી હતી.
Also Read – Syrian Civil War: બળવાખોરોએ સીરિયાની રાજધાની કબજે કરી, અસદ પરિવારના 50 વર્ષના શાસનનો અંત
સીરિયામાં 2011 માં શાંતિપૂર્ણ રીતે સરકાર વિરોધી પ્રદર્શન શરુ થયું હતું. ત્યાર બાદ બશર અલ અસદના સામે બળવાએ વેગ પકડ્યો હતો. સમય જતાં, વિદેશી સત્તાઓ સામેલ થતા બળવો જટિલ સંઘર્ષમાં ફેરવાઈ ગયો અને 5 લાખ લોકો માર્યા ગયા અને લાખો વિસ્થાપિત થયા.