ઈન્કિલાબ મંચના પ્રવક્તા શરીફ હાદીના આજે સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર, બાંગ્લાદેશ હાઈ એલર્ટ પર

બાંગ્લાદેશના રાજકીય ફલક પર ઊભરેલા તેજસ્વી નેતા અને ઈન્કિલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીના નિધનથી સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સિંગાપોરમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેનાર હાદીના માનમાં દેશમાં એક દિવસીય રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. શનિવારે બપોરે ઢાકાના પ્રતિષ્ઠિત સ્થળોએ તેમની નમાજ-એ-જનાઝા પઢવામાં આવશે, જેમાં હજારો સમર્થકો અને અગ્રણી નેતાઓ જોડાય તેવી શક્યતા છે.
શરીફ ઉસ્માન હાદીનાના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના પ્રેસ વિંગ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, શરીફ હાદીની નમાજ-એ-જનાઝા શનિવારે બપોરે 2 વાગ્યે ઢાકા સ્થિત રાષ્ટ્રીય સંસદ ભવન (જાતિયો સંગસદ ભવન) ના સાઉથ પ્લાઝામાં અદા કરવામાં આવશે. આ પ્રસંગે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. વહીવટીતંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની સાથે કોઈ પણ પ્રકારના ભારે બેગ કે સામાન ન લાવે. આ ઉપરાંત, સુરક્ષાના કારણોસર સંસદ ભવન અને તેની આસપાસના વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
પારિવારિક ઈચ્છા અને તેમની રાષ્ટ્ર પ્રત્યેની સેવાઓને ધ્યાનમાં રાખીને, શરીફ ઉસ્માન હાદીને ઢાકા યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સેન્ટ્રલ મસ્જિદ પાસે દફનાવવામાં આવશે. તેમને બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ કાઝી નઝરુલ ઈસ્લામની મજારની બાજુમાં જ અંતિમ વિશ્રામ આપવામાં આવશે. ડકસુ (DUCSU) ના સચિવ ફાતિમા તસ્નીમ જુમાએ જણાવ્યું હતું કે બપોરની નમાજ બાદ મણિક મિયા એવન્યુ ખાતે પણ અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં દેશભરમાંથી તેમના સમર્થકો ઉમટી રહ્યા છે.
શરીફ હાદી પર ગત 12 ડિસેમ્બરના રોજ ઢાકાના પુરાના પલ્ટન વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જીવલેણ હુમલો થયો હતો. આ હુમલામાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રાથમિક સારવાર ઢાકાની હોસ્પિટલમાં આપ્યા બાદ, 15 ડિસેમ્બરે તેમને એરલિફ્ટ કરીને સિંગાપોર જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ગુરુવારે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શુક્રવારે સાંજે તેમનો પાર્થિવ દેહ બાંગ્લાદેશ એરલાઈન્સ દ્વારા ઢાકા લવાયો ત્યારે તેમનો તાબૂત રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલો હતો.
આ દુઃખદ સમયે વિદ્યાર્થી નેતા ફાતિમા તસ્નીમ જુમાએ તમામ સમર્થકો અને વિદ્યાર્થીઓને સંયમ જાળવવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું કે જનાઝાના રૂટ પર શિસ્ત જાળવવી અનિવાર્ય છે જેથી વ્યવસ્થામાં કોઈ ખલેલ ન પહોંચે. તેમણે હાદીને ‘શહીદ’ તરીકે સંબોધતા લોકોને તેમના આત્માની શાંતિ માટે દુઆ કરવા અને આંદોલનને શાંતિપૂર્ણ રીતે આગળ વધારવા આહવાન કર્યું છે.
આ પણ વાંચો…બાંગ્લાદેશમાં હિંદુ યુવકની કટ્ટરવાદીઓ મારઝૂડ કરીને કરી હત્યા, શબને ઝાડ પર લટકાવીને આગ લગાવી



