લાહોરમાં લશ્કર-એ-તૈયબ્બાના મહિલા વિભાગની જાહેર બેઠક, કટ્ટરવાદના નારા લગાવ્યા

લાહોરઃ પાકિસ્તાન અને આતંકવાદી સંગઠનો વચ્ચેના સંબંધો કેવી છે તે આખું વિશ્વ જાણે છે. અનેક વખત પાકિસ્તાનમાં ખુલ્લેઆમાં આતંકીઓ ફરતા હોવાના સમાચાર પ્રકાશમાં આવી છે. તાજેતરમાં લાહોરમાં લશ્કર-એ-તૈયબ્બાના મહિલા વિભાગ ‘તૈય્યિબાત’ દ્વારા એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે લાહોરમાં લશ્કર-એ-તૈયબાની મહિલા વિભાગની એક મોટી બેઠક યોજાઈ હતી.
શું છે આ સમગ્ર બાબત?
વિગતે વાત કરવામાં આવે તો, 9 ફેબ્રુઆરી 2026ના રોજ લાહોરના અઈવાન-એ-ઈકબાલ કોમ્પ્લેક્સમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હજારો મહિલાઓએ ભાગ લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ કાર્યક્રમમાં લશ્કર-એ-તૈયબ્બા સંગઠનના વરિષ્ઠ કમાન્ડરોની પત્નીઓ પણ સામેલ હતી. લશ્કર-એ-તૈયબ્બાના મહિલા વિભાગની જનરલ સેક્રેટરી ઈફ્ફત સઈદે આ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જિહાદના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યાં હોવાનું પણ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે.
લશ્કર-એ-તૈયબ્બાને રૂપિયા કોણ આપે છે?
ચિંતાની વાત એ છે કે, એકબાજુ પાકિસ્તાન પોતાના દેશમાં આંતકી પ્રવૃત્તિઓને નકારે છે, તો પછી આવા વિશાય કાર્યક્રમ માટે લશ્કર-એ-તૈયબ્બાને રૂપિયા કોણ આપે છે? આ એક મોટો પ્રશ્ન છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓ આવા કાર્યક્રમો જાહેરમાં યોજે છે. મૂળ વાત તો એ છે કે, આ માત્ર કોઈ સામાજિક કાર્યક્રમ નહોતો, પરંતુ કટ્ટર વિચારધારા ફેલાવવા માટેની એક બેઠક હતી. સૂત્રોનું કહેવું એવું છે કે, લશ્કર-એ-તૈયબ્બાનો મહિલા વિભાગ હવે દરેક પાકિસ્તાનીમાં આ કટ્ટર વિચારધારાને પહોંચાડવા માંગે છે.
અનેક આતંકવાદી હુમલાઓમાં સંડોવણીના આરોપો
અત્રે નોંધનીય છે કે, લશ્કર-એ-તૈયબ્બા પર ભારતમાં અનેક આતંકવાદી હુમલાઓમાં સંડોવણીના આરોપો છે. ખાસ કરીને 26/11 મુંબઈ હુમલો. આ આતંકી હુમલામાં પણ લશ્કર-એ-તૈયબ્બાનું નામ પ્રકાશમાં આવ્યું હતું. પાકિસ્તાન સરકાર આ સંગઠનને પ્રતિબંધિત કરવાનું દાવો કરે છે, પરંતુ આવા ખુલ્લા કાર્યક્રમો પાકિસ્તાન પર સીધા સવાલ કરે છે. આ ઘટના આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારે તેવી બાબત છે.



