બે ભાગેડુઓ એક સાથે! એક પાર્ટીમાં લલિત મોદી અને વિજય માલ્યા સાથે ગીત ગાતા જોવા મળ્યા

લંડન: બંધ થઇ ગયેલી કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યા અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદી ભારતીય બેંકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયા છે, ભારત સરકારે બંનેને ભાગેડુ જાહેર કર્યા છે અને બંનેને ભારત પરત લાવવાના પ્રયસો કરવામાં આવી રહ્યા છે, એવામાં ઇંગ્લેન્ડના લંડનમાં આયોજિત પાર્ટી વિવાદમાં વિજય માલ્યા અને લલિત મોદી સાથે એક ગીત ગાતા જોવા (Lalit Modi and Vijay Mallya seen together) મળ્યા હતાં, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો ચેહ.
વાયરલ થઇ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે લલિત મોદી અને વિજય માલ્યા માઈક પકડીને સાથે ફ્રેન્ક સિનાત્રાનું ગીત ‘આઈ ડીડ ઈટ માય વે’ ગઈ રહ્યા છે. આ વિડીયો લલિત મોદીએ જ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, ત્યાર બાદ જ ઝડપથી વાયરલ થયો હતો.
આ વિડીયો વિષે સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે. કેમ કે બે હાઈ-પ્રોફાઇલ ભાગેડુઓ ભારતમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ન્યાયિક પ્રક્રિયામાંથી છટકીને વિદેશમાં ઉજવણી કરી રહ્યા છે.
ક્રિસ ગેલ પણ પાર્ટીમાં હાજર:
આ પાર્ટીનું આયોજન લલિત મોદીએ જ કર્યું હતું, જેમાં 300 થી વધુ લોકો હાજર રહ્યા હતાં, જેમાં તેના મિત્રો અને પરિવારના સભ્યોનો સમાવેશ થતો હતો. વેસ્ટ ઇન્ડીઝનો ભૂતપૂર્વ બેટર ક્રિસ ગેલ પણ મહેમાનોમાં સામેલ હતો. લલિત મોદી અને વિજય માલ્યા સાથેની તસવીર શેર કરતા તેમણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, ‘આપણે મજા કરી, આ અદ્ભુત સાંજ માટે આભાર.’
બંને ભાગેડુઓએ કર્યા મોટા કૌભાંડો!
IPL શરુ કરવાનો શ્રેય લલિત મોદીને જાય છે. જો કે ત્યાર બાદ તેમણે કરેલી કથિત ગેરરીતિઓ જાહેર થતા તેઓ દેશ છોડીને ચાલ્યા ગયા હતાં, વર્ષ 2010 થી તેઓ યુનાઇટેડ કિંગડમમાં રહે છે. લલિત મોદી પર IPLની કેટલિક બિડમાં ભ્રષ્ટાચાર, લાંચ, મની લોન્ડરિંગ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ના ઉલ્લંઘનનો આરોપ છે. તેમના પર કરોડો રૂપિયાની હેરાફેરીનો આરોપ છે.
એક સમએ ભારતીય ઉદ્યોગ જગતમાં અગ્રણી ગણાતા વિજય માલ્યા પર બેંકો સાથે રૂ.9,000 કરોડના ગોટાળાનો આરોપ છે. ભારતની પ્રત્યાર્પણ વિનંતી પર વર્ષ 2017માં લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી, હાલ માલ્યા જામીન પર છે અને કાયદાકીય કાર્યવાહી ચાલુ છે.
આ પણ વાંચો…વિજય માલ્યાનો ‘કિંગફિશર વિલા’ બન્યો ‘કિંગ્સ મેન્શન’: જાણો કોણ છે નવો માલિક?