ખાલિસ્તાની આતંકવાદી લખબીર રોડેનું પાકિસ્તાનમાં મોત, ભારતમાં અનેક હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો

નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેનું પાકિસ્તાનમાં મોત થયું હતું. લખબીર સિંહ રોડે પ્રતિબંધિત સંગઠનો ખાલિસ્તાન લિબરેશન ફોર્સ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનનો સ્વયં-ઘોષિત ચીફ હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે કે લખબીર સિંહ રોડેનું 72 વર્ષની વયે પાકિસ્તાનમાં નિધન થયું હતું. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હતું.
લખબીર સિંહ રોડે ખાલિસ્તાની આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાનવાલેનો ભત્રીજો હતો અને તેનું નામ ભારત દ્વારા જાહેર કરાયેલી આતંકવાદીઓની યાદીમાં સામેલ હતો. લખબીર સિંહ રોડેના ભાઈ અને અકાલ તખ્તના પૂર્વ જથેદાર જસબીર સિંહ રોડે લખબીરના મૃત્યુની પુષ્ટિ કરી હતી. જસબીર સિંહે કહ્યું કે મારા ભાઈના દીકરાએ અમને કહ્યું છે કે તેનું પાકિસ્તાનમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું અને તેના અંતિમ સંસ્કાર પાકિસ્તાનમાં જ કરવામાં આવ્યા હતા. તે ડાયાબિટીસથી પીડિત હતો. લખબીર સિંહ રોડેના બે પુત્ર, એક પુત્રી અને પત્ની કેનેડામાં રહે છે.
લખબીર સિંહ રોડે ભારતના પંજાબના મોગા જિલ્લાના રોડે ગામનો રહેવાસી હતો અને તે ભારતથી દુબઈ ભાગી ગયો હતો. બાદમાં તે દુબઈથી પાકિસ્તાન ચાલ્યો ગયો પરંતુ તેના પરિવારને કેનેડામાં રાખ્યો. વર્ષ 2002માં ભારતે 20 આતંકવાદીઓને ભારતને સોંપવા માટે પાકિસ્તાનને એક યાદી પણ સોંપી હતી, જેમાં લખબીર સિંહ રોડેનું નામ પણ હતું. ભારત સરકારના ડોઝિયર મુજબ, લખબીર સિંહ રોડેના ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશને બ્રિટન, જર્મની, કેનેડા અને અમેરિકા સહિત ઘણી જગ્યાએ તેની શાખાઓ શરૂ કરી હતી. રોડે પર ગેરકાયદેસર રીતે ભારતમાં હથિયારો અને વિસ્ફોટકો મોકલવાનો પણ આરોપ છે.
રોડે પર સ્થાનિક ગુંડાઓની મદદથી પંજાબમાં હુમલા કરવાનો આરોપ છે. આ વર્ષની શરૂઆતમાં NIAએ મોગા જિલ્લામાં લખબીર સિંહ રોડેની જમીન પણ જપ્ત કરી હતી. રોડે પર ભારતમાં અનેક હુમલાઓનું ષડયંત્ર રચવાનો આરોપ છે. 15 સપ્ટેમ્બર 2021ના રોજ, પંજાબના ફાઝિલ્કામાં ટિફિન બોમ્બ વિસ્ફોટ થયો હતો. NIAની તપાસમાં સામે આવ્યું છે કે આ હુમલા પાછળ લખબીર સિંહ રોડેનો હાથ હતો. લખબીર સિંહ રોડે પંજાબમાં સરહદ પારથી ગેરકાયદેસર રીતે હથિયારો, દારૂગોળો, ડ્રગ્સ અને ટિફિન બોમ્બ મોકલવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2021 થી 2023 દરમિયાન લખબીર સિંહ રોડે છ આતંકવાદી ઘટનાઓમાં સક્રિય રીતે સામેલ હોવાનું જાણવા મળ્યું હતું.