LA Fire: લોસ એંજલસમાં આગથી લાદવામાં આવ્યો કર્ફ્યૂ, NASAની સેટેલાઇટ તસવીર જોઈ હચમચી જશો

LA Fires: અમેરિકાના લોસ એંજલસના જંગલમાં લાગેલી આગ વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. આ દરમિયાન અહીંયા ઓછામાં ઓછા 11 લોકોના મૃત્યુ થયા છે અને સેંકડો ઇમારત આગમાં સ્વાહા થઈ ગઈ છે. આગથી પ્રભાવિત બે લાખ લોકોને વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. ફાયરકર્મીઓની તમામ કોશિશો છતાં આગ કાબુમાં આવી રહી નથી. આગને લઈ નાસા દ્વારા સેટેલાઇટ ઇમેજ જાહેર કરવામાં આવી છે. જેમાં જ્યાં જુઓ ત્યાં માત્ર આગના ગોળા જ દેખાય છે.

કેટલાક વિસ્તારોમાં આગના ગોળા હજુ પણ ધખધખી રહ્યા છે.. આગ લાગવા પાછળના કારણોની તપાસ ચાલી રહી છે. હોલિવૂડનું ઘર ગણાતા લોસ એંજલસને કરોડો ડોલરનો લોસ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પેસિફિક મહાસાગરના કાંઠે વસેલા પલિસેડ્સ વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. અનેક ઐતિહાસિક ઇમારતો આગ લાગવાથી નાશ પામી છે. આગને કાબુમાં લેવા માટે પ્રયાસ થાય ત્યારે જ બીજા કોઇ નવા સ્થળે આગ લાગવાની ઘટના બની રહી છે. જેને લઈ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
બોમ્બ ફેંકવામાં આવ્યો હોય તેવી સ્થિતિ લાગે છેઃ શેરિફ રોબર્ટ લૂના
લોસ એંજલસ કાઉન્ટીના શેરિફ રોબર્ટ લૂનાએ કહ્યું, તેમને ત્યાં મૃતકોની સંખ્યા વધી શેકે છે. અહીંયા બોમ્બ ફેંકવામાં આવ્યો હોય તેવું લાગે છે. શેરિફ લૂના મુજબ, કેટલાક વિસ્તારોમાં લૂંટફાટ અને ચોરીની ઘટનાઓ વધી છે. આ મામલે 20થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પેલિસેડ્સની ભીષણ આગાની જેમ ઈટન વિસ્તારમાં લાગેલી આગ પણ અનિયંત્રિત છે. આ દરમિયાન હોલિવૂડ હિલ્સમાં ફેલાયેલી આગથી 5300 ઈમારતો નાશ પામી છે. જેમાં ઘર, સ્કૂલ અને પ્રતિષ્ઠિત સનસેટ બુલેવાર્ડ સ્થિત વ્યવસાયિક ઇમારતો પણ સામેલ છે.
આ સેલિબ્રિટીએ ગુમાવ્યા ઘર
આગમાં ઘર ગુમાવનારા સેલિબ્રિટીઓમાં લેઇટન મીસ્ટર અને એડમ બ્રોડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પેરિસ હિલ્ટનનો પણ સમાવેશ થાય છે. યુએસના વીમા ઉદ્યોગને આ સૌથી મોંઘી આગ સાબિત થવાનો ડર છે. આગને કારણે લગભગ 8 બિલિયનની ડોલર કિંમતની વીમાકૃત મિલકતને નુકસાન થવાની ધારણા છે.
Also read: California Wildfires: મહાસત્તા બની લાચાર, અબજો ડોલરનું નુકસાન, હજારો ઘર બળીને ખાખ
આગ લાગવાના ત્રણ કારણો
- શુષ્ક હવામાનઃ સ્થાનિક અધિકારીઓએ લોસ એંજલસમાં લાગેલી આગ માટે ભારે પવન અને શુષ્ક હવામાનને જવાબદાર ગણાવ્યું છે. શુષ્ક હવામાનના કારણે સુકાઈ ગયેલા વૃક્ષો અને છોડના કારણે આગ ધાર્યા કરતા વધુ ઝડપથી ફેલાઇ રહી છે.
- ક્લાયમેટ ચેન્જઃ યુએસ સરકારના રિસર્ચમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે પશ્ચિમ અમેરિકાના જંગલોમાં લાગેલી ભીષણ આગ ક્લાયમેટ ચેન્જ સાથે જોડાયેલી છે. યુએસ ઓશન એન્ડ એટમોસ્ફિયર એડમિનિસ્ટ્રેશન મુજબ, વધતી ગરમી, લાંબા સમય સુધી દુષ્કાળ અને સુકા વાતાવરણ સહિત ક્લાયમેટ ચેન્જ, પશ્ચિમ યુનાઇટેડ સ્ટેટ્સમાં જંગલની આગનું જોખમ વધારી રહ્યું છે.
- સેંટા એના પવનોઃ આ આગ ફેલાવાનું એક મુખ્ય કારણ ‘સેંટા એના’ પવનો છે, જે જમીનથી દરિયા કિનારા તરફ ફૂંકાય છે. 100 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ફૂંકાતા આ પવનોએ આગને વધુ વિકરાળ બનાવી હોવાનું માનવામાં આવે છે. આ પવનો પૂર્વ અથવા ઉત્તરપૂર્વથી યુનાઇટેડ સ્ટેટ્સના દરિયાકાંઠા તરફ ફૂંકાય છે. આ પવનો વર્ષમાં ઘણી વખત ફૂંકાય છે. લોસ એંજલસ અને દક્ષિણ કેલિફોર્નિયાના કેટલાક ભાગોમાં સેંટા એના પવનો રોજિંદા જીવનને ઘણી વખત અસ્ત વ્યસ્ત કરે છે.