3 ઠેકાણા, 7 બોમ્બર્સ અને 25 મિનિટઃ ઈરાન સામેના અમેરિકાના ઓપરેશનનું સિક્રેટ જાણો

વોશિંગ્ટન/તહેરાનઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે દસ દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલ દ્વારા પરમાણું કાર્યક્રમના ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલ યુદ્ધમાં ઈરાન આત્મ રક્ષણનો દાવો કરી રહ્યું છે. આ વચ્ચે 21 તારીખે મોડી રાત્રે અમેરિકાએ પણ ઝંપલાવ્યું હતું. અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ ઠેકાણાઓ નષ્ટ કરવા માટે પર ‘ઓપરેશન મિડનાઈટ હેમર’ શરૂ કર્યું હતુ્ં.
આ ઓપરેશનની વિગતે વાત કરવામાં આવે તો આ હુમલામાં અમેરિકાએ ખાસ કરીને ત્રણ ટાર્ગેટને પાર પાડવા માટે સાત બોમ્બર્સનો ઉપયોગ કર્યો હતો, જેમાં 12 ભારે ભરખમ બોમ્બનો પણ સમાવેશ કર્યો હતો. આ ઓપરેશન ઝડપી અને ગુપ્ત સૈન્ય અભિયાન દ્વારા સફળતાપૂર્વક પૂરું કર્યું. આ હુમલાઓએ પશ્ચિમ એશિયામાં રાજકીય તણાવ વધાર્યો છે. માત્ર 25 મિનિટમાં ફોર્ડો, નતાંઝ અને ઈસ્ફહાનના પરમાણુ ઠેકાણાને નિશાન બનાવ્યાં. આ અભિયાનમાં અમેરિકાએ સ્ટેલ્થ B-2 બોમ્બર્સ, બંકર-બસ્ટર બોમ્બ અને ટોમહોક મિસાઈલોનો ઉપયોગ કર્યો.
આ પણ વાંચો: અમેરિકાના ઈરાનના પરના હુમલા બાદ બ્રિટન, સાઉદી અરેબિયા અને ચીન સહિતના દેશોએ આપી પ્રતિક્રિયા
25 મિનિટમાં ઈરાન પર હુમલો
વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ ડેન કેને જણાવ્યું હતું કે અમેરિકી વાયુસેનાએ રવિવારે સવારે 4:10 વાગ્યે (ભારતીય સમય) હુમલો શરૂ કર્યો. સાત B-2 સ્ટેલ્થ બોમ્બર્સે ફોર્ડો પર બે ભારે બંકર-બસ્ટર બોમ્બ ફેંક્યા, જ્યારે નતાંઝ અને ઈસ્ફહાન પર ટોમહોક મિસાઈલ છોડવામાં આવી. ઉલ્લેખનીય છે કે આ ઓપરેશનમાં લગભગ 30,000 પાઉન્ડ (લગભગ 13,608 કિલો) વજનના બંકર બસ્ટર બોમ્બ ફેંક્યા હતા. આ મિશનમાં 125થી વધુ વિમાનો અને 14 બંકર-બસ્ટર બોમ્બનો ઉપયોગ થયો. 4:35 વાગ્યા સુધીમાં તમામ વિમાનો ઈરાનના એર સ્પેસથી બહાર નીકળી ગયા હતા. આ અભિયાનને ગુપ્ત રાખવા માટે ડિકોય રણનીતિ અપનાવીને ઈરાનને ભ્રમમાં રાખવામાં આવ્યું.
આ પણ વાંચો: અમેરિકાના હુમલા બાદ ઈરાનનો બદલો, ઈઝરાયેલ પર કર્યા આક્રમક મિસાઇલ હુમલા…
‘ડિકોય’ રણનીતિથી ઈરાન છેતરાયું
જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ ડેન કેનના જણાવ્યા મુજબ, B-2 બોમ્બર્સે મિસૌરીના એરબેઝથી 18 કલાકની ઉડાન ભરી. આ મિશનમાં ન્યૂનતમ સંચાર રાખવામાં આવ્યો જેથી ઈરાનને શંકા ન જાય. ડિકોય રણનીતિ હેઠળ કેટલાક વિમાનોને પેસિફિક મહાસાગર તરફ મોકલાયા. કેને કહ્યું હતું કે ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી અમેરિકી વિમાનોને શોધી શકી નહીં. આ મિશન 9/11 પછીનું સૌથી લાંબું B-2 અભિયાન હતું.
અમેરિકાના દાવાને ઈરાને ફગાવ્યો
અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે આ અભિયાનને ઐતિહાસિક સફળતા ગણાવી અને દાવો કર્યો કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ નષ્ટ થયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાનો આદેશ આપ્યો હતો, જેમણે ઈરાનને પરમાણુ હથિયાર બનાવવા નહીં દેવાની વાત કરી હતી. જોકે, ઈરાને આ દાવાનો ખંડન કર્યો છે અને કહ્યું કે તેના ઠેકાણાઓને નજીવું નુકસાન થયું. આ ઘટનાએ પ્રાદેશિક તણાવને વધુ ઉગ્ર કર્યો છે.