ઇન્ટરનેશનલ

વિદેશી પ્રવાસીઓ માટે ઉત્તર કોરિયાના દ્વાર ખૂલ્યા! કિમ જોંગ ઉનનો ઉત્તરાધિકારી કોણ બનશે?

પ્યોંગયાંગ: ઉત્તર કોરિયાના અત્યંત ગુપ્ત અને દુર્ગમ વિસ્તારો હવે ધીમે ધીમે જાણે દુનિયા માટે ખુલી રહ્યા છે. ૨૪ જૂનના ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉને દેશના ઉત્તરીય કિનારે આવેલા ભવ્ય વોનસાન કલ્મા (Wonsan Kalma) દરિયાકિનારાને સાર્વજનિક કર્યો હતો. આ બીચની અપ્રતિમ સુંદરતા વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બની છે.

આ ઉદ્ઘાટન સમારોહમાં કિમ જોંગ ઉન સાથે તેમની પુત્રી કિમ જૂ એ (Kim Ju Ae) સતત જોવા મળી હતી. જેણે તેમના ઉત્તરાધિકારી બનવાની અટકળોને વેગ આપ્યો છે. નોંધનીય છે કે કિમની પત્ની રી સોલ જૂ પણ હાજર હોવા છતાં કિમ જૂ એને પ્રોટોકોલમાં પહેલા ક્રમે હતી.

તે તેના પિતા સાથે હાથ પકડીને બીચ પર ફરતી જોવી મળી હતી, જ્યારે રી સોલ જૂ પાછળ ચાલતા હતા. દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સી (NIS)એ પણ જાન્યુઆરી ૨૦૨૪માં સંકેત આપ્યો હતો કે કિમ જૂ એને સંભવિત ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવી રહી છે.

આપણ વાંચો: કિમ જોંગ ઉને બેલેસ્ટિક મિસાઈલ છોડી, જાપાન અને દક્ષિણ કોરિયા એલર્ટ મોડ પર

રશિયાની મદદથી વિકાસ અને પ્રવાસીઓ માટે ખુલ્લું

આંતરરાષ્ટ્રીય મીડિયા અનુસાર વોનસાન કલ્મા બીચનું નિર્માણ ઘણા વર્ષોથી ચાલી રહ્યું હતું, જે કોરોના મહામારી દરમિયાન અટકી ગયું હતું. ૨૦૨૪માં રશિયાની મદદ મળતા જ આ પ્રોજેક્ટને વેગ મળ્યો. ઉદ્ઘાટન સમારોહમાં ઉત્તર કોરિયામાં રશિયાના રાજદૂત અને દૂતાવાસના સભ્યો વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા.

પહેલી જુલાઈથી ટૂરિસ્ટ પ્લેસને ખોલવામાં આવશે

આ પ્રવાસન કેન્દ્ર ૧ જુલાઈથી ખોલવામાં આવશે અને હાલ પૂરતું માત્ર રશિયન નાગરિકોને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં જ બંને દેશો વચ્ચે ટ્રેન સેવાની પણ પુનઃ શરૂઆત કરવામાં આવી છે, અને ઉત્તર કોરિયાએ યુક્રેન યુદ્ધમાં રશિયાને ૧૦,૦૦૦ સૈનિકોની મદદ કરી હોવાનું માનવામાં આવે છે.

આપણ વાંચો: મધ્ય-પૂર્વ બાદ પૂર્વ એશિયા પણ યુદ્ધની આગમાં સળગશે? કિમ જોંગ-ઉને આપી મોટી ધમકી

ઉત્તરાધિકારી તરીકે કિમ જૂ એનું વધતું કદ

કિમ જૂ એ છેલ્લા દોઢ વર્ષથી વિવિધ મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમોમાં તેમના પિતા સાથે જોવા મળી રહ્યા છે, જેમાં કાંગદોંગ ગ્રીનહાઉસની મુલાકાત સૈન્ય અભ્યાસ નિરીક્ષણ અને યુદ્ધ જહાજ પરીક્ષણ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) એ તેમને કિમની “પ્રિય” અને “સન્માનિત” પુત્રી તરીકે રજૂ કર્યા છે, જે ઉત્તરાધિકારની અટકળોને વધુ મજબૂત બનાવે છે.

જોકે, ઉત્તર કોરિયાના પુરુષ-પ્રધાન સમાજમાં સત્તા હંમેશાં પુરુષોના હાથમાં રહી છે. કિમ જોંગ ઉનના અન્ય સંતાનો ખાસ કરીને મોટા પુત્ર અને બહેન કિમ યો-જોંગના નામ પણ અગાઉ સંભવિત ઉત્તરાધિકારી તરીકે ચર્ચાયા છે.

તેમ છતાં, કિમ જૂ એની વધતી જતી સાર્વજનિક હાજરી અને તેમને મળતો પ્રોટોકોલ સૂચવે છે કે તેઓ આ યાદીમાં સૌથી આગળ છે. જો કિમ જોંગ ઉન તેમને ઉત્તરાધિકારી બનાવે છે, તો તે ઉત્તર કોરિયાના ઇતિહાસમાં એક નોંધપાત્ર અને ઐતિહાસિક પરિવર્તન હશે, જેના માટે વ્યાપક સામાજિક અને રાજકીય સ્વીકૃતિની જરૂર પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button