કિમ જોંગ ઉને બેલેસ્ટિક મિસાઈલ છોડી, જાપાન અને દક્ષિણ કોરિયા એલર્ટ મોડ પર
ઉત્તર કોરિયાએ તેના કટ્ટર હરીફ દક્ષિણ કોરિયાની સરહદ પર વધુ એક ખતરનાક મિસાઈલ છોડીને હલચલ મચાવી દીધી છે. આના થોડા દિવસો પહેલા કિમ જોંગની સેનાએ દક્ષિણ કોરિયાના વિવાદિત સરહદી વિસ્તારમાં 200 થી વધુ તોપના ગોળા છોડીને હલચલ મચાવી દીધી હતી. હવે આ પગલું આ ઘટનાના થોડા જ દિવસો બાદ લેવામાં આવ્યું છે. દક્ષિણ કોરિયાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાએ રવિવારે તેના પૂર્વ કિનારે બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી.
જાપાનીઝ કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, તે બેલેસ્ટિક મિસાઈલ હોઈ શકે છે. બેલિસ્ટિક મિસાઇલ પ્રક્ષેપણ પછી, જાપાનના વડા પ્રધાન કાર્યાલયે તેને કટોકટીની ચેતવણી ગણાવી હતી અને કહ્યું હતું કે તેઓ વધુ વિગતોની રાહ જોઈ રહ્યા છે. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઑફ સ્ટાફે જણાવ્યું હતું કે મિસાઇલ લોન્ચ રવિવારે થઇ હતી, પરંતુ મિસાઇલ કેટલી દૂર સુધી ગયું તેની વધુ વિગતો આપી નથી. મિસાઈલ અને તેનાથી થયેલા નુકસાન અંગે કોઈ માહિતી સામે આવી નથી.
જોકે, આ પહેલીવાર નથી જ્યારે કિમ જોંગે આ કારનામું કર્યું હોય, પરંતુ સરમુખત્યાર કિમ જોંગ આવી સ્ટાઈલ માટે જાણીતો છે. ઉત્તર કોરિયા પોતાના નંબર વન દુશ્મન દક્ષિણ કોરિયા, જાપાન અને અમેરિકા પર દબાણ લાવવા માટે આવા પરીક્ષણો કરતું રહે છે. હવે ફરી એકવાર બેલેસ્ટિક મિસાઈલ છોડીને કિમ જોંગે બતાવી દીધું છે કે તેમને આ બધું કરતા કોઈ દેશ રોકી શકશે નહીં અને તે પોતાની ઈચ્છાનો માસ્ટર છે.
ઉત્તર કોરિયા તેના પરમાણુ હથિયારોના ભંડારમાં સતત વધારો કરી રહ્યું છે. આ ક્રમમાં તે નિયમિતપણે પરમાણુ મિસાઈલનું પરીક્ષણ કરી રહ્યું છે. નવેમ્બરમાં ઉ. કોરિયાએ તેનો પ્રથમ લશ્કરી જાસૂસી ઉપગ્રહ લોન્ચ કર્યો ત્યારથી કોરિયન દ્વીપકલ્પ પરનો તણાવ નોંધપાત્ર રીતે વધી ગયો છે.
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉને ગયા અઠવાડિયે મહત્વપૂર્ણ શસ્ત્રોના કારખાનાઓની મુલાકાત લીધી હતી અને ઘોષણા કરી હતી કે દક્ષિણકોરિયા સામેની લડાઇમાં તેઓ પીછેહઠ નહીં કરે અને જો દક્ષિણ કોરિયા બળનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે તો તેનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.