30 અધિકારીઓને ફાંસી! આવો આદેશ આપ્યો માથાફરેલા સરમુખત્યારે!
પ્યોંગ્યાંગ: દુનિયાના માથાફરેલા સરમુખત્યારો એટલે કે ડિક્ટેટર્સની વાત થાય ત્યારે ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉંનની વાત કેમ થાય જ. પોતાના કુટુંબીજનોને તોપથી ઉડાવી દેનારા આ સરમુખત્યાર ફરી એક વખત સમાચારોમાં છે. પોતાના 30 અધિકારીઓને મોતને હવાલે કરી દેવા બદલ કિમ ફરી ચર્ચામાં છવાયા છે.
હાલ ઉત્તર કોરિયા પૂરના પ્રકોપથી પરેશાન છે અને અત્યાર સુધી લગભગ ચાર હજાર લોકોએ પૂરના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હોવાના અહેવાલ છે. મુખ્યત્ત્વે ચાંગંગ પ્રાંતમાં ભારે વરસાદ તેમ જ ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક વધુ છે.
દેશમાં પૂરની વણસેલી પરિસ્થિતિના કારણે કોણ જવાબદાર છે એ માટે કિમ જોંગે તપાસનો આદેશ આપ્યો હતો. આ તપાસમાં પૂર રોકવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓના નામ કિમને પહોંચાડવામાં આવ્યા હતા. પોતાના તિતાલી મિજાજ માટે જાણીતા કિમે કંઇપણ સમજ્યા વિચાર્યા વગર દેશમાં પૂર રોકવા માટે 30 અધિકારીઓને જવાબદાર ઠેરવીને તેમને મૃત્યુદંડની સજાનો આદેશ આપ્યો હતો.
કિમે જવાબદાર અધિકારીઓને કડક સજા આપવાની જાહેરાત કરી હોવાનું એક ચેનલના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. પૂરગ્રસ્ત વિસ્તારના અધિકારીઓને ગયા મહિનાના અંતમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી હોવાનો દાવો ઉત્તર કોરિયાની એક ન્યુઝ ચેનલ દ્વારા કરવામાં આવ્યો હતો.
કિમે આપત્તિ-વ્યવસ્થાપન ખાતાના અધિકારીઓ આદેશોની અવગણના કરશે તો તેમના વિરુદ્ધ આકરા પગલાં લેવામાં આવશે તેવી જાહેરાત કરી હોવાનું પણ ન્યુઝ ચેનલના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કિમે આ પહેલા પણ અત્યંત ક્રૂર કહી શકાય તેવા આદેશો આપ્યા હતા અને તેમાં પણ પોતાના કુટુંબીજનોને જ મૃત્યુના હવાલે કરવાના આદેશ અને તે આદેશના થયેલા પાલન બાદ કિમની ક્રૂરતાની વાતોની ઘણી ચર્ચા થઇ હતી.