અલવિદાઃ દુનિયાની પહેલી મિસ વર્લ્ડનું 95 વર્ષે નિધન
કેલિફોર્નિયાઃ દુનિયાની સૌથી પહેલી મિસ વર્લ્ડ કિકી હેકન્સનનું નિધન થયું છે. કિકી ૯૫ વર્ષના હતા. કિકી હકેન્સને કેલિફોર્નિયામાં તેના ઘરે ઊંઘમાં અંતિમ શ્વાસ લીધા. કિકીના પરિવારે તેના મૃત્યુની પુષ્ટિ કરી છે. આ જાહેરાત ઓફિશિયલ મિસ વર્લ્ડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા કરવામાં આવી હતી. સ્વીડનમાં જન્મેલા કિકી હકેન્સનને ૧૯૫૧ લંડનમાં યોજાયેલી મિસ વર્લ્ડ સ્પર્ધામાં મિસ વર્લ્ડનો તાજ પહેરાવ્યો ત્યારે ઇતિહાસ રચ્યો હતો.
૨૯ જુલાઈ, ૧૯૫૧ના રોજ લિસિયમ બૉલરૂમ ખાતે આયોજિત બ્રિટનના ફેસ્ટિવલ સાથે સંકળાયેલી એક વખતની ઇવેન્ટ તરીકે હરીફાઈ શરૂ થઈ. જોકે, સ્પર્ધા પાછળથી વૈશ્વિક સંસ્થા બની ગઈ અને કિકીની જીતે મિસ વર્લ્ડ વારસાની શરૂઆત કરી. સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં તેના નિધન અંગે દુખ વ્યક્ત કર્યું હતું.
સત્તાવાર પોસ્ટમાં લખ્યું હતું કે અમે કિકીના પરિવારના તમામ સભ્યો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમારો પ્રેમ અને પ્રાર્થના મોકલી રહ્યા છીએ. કિકીના પુત્ર ક્રિસ એન્ડરસને પણ તેની માતાને ‘સાચી, દયાળુ, પ્રેમાળ’ ગણાવીને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ઉમેર્યું હતું કે તેની હૂંફ અને ઉદારતા માટે તે જાણીતી હતી અને તેને યાદ કરવામાં આવશે.
મિસ વર્લ્ડ પ્રેસિડેન્ટ જુલિયા મોર્લીએ પોતાના વિચારો શેર કરતા લખ્યું હતું કે કિકી એક સાચા આગેવાન હતા અને તેથી જ કિકીનું પ્રથમ મિસ વર્લ્ડ તરીકે ઈતિહાસમાં સ્થાન મેળવવું યોગ્ય હતું. મોર્લીએ જણાવ્યું હતું કે અમે હંમેશ માટે પ્રથમ મિસ વર્લ્ડ, કર્સ્ટિન (કિકી) હકેન્સનની યાદમાં ઉજવણી કરીશું. તેઓ હંમેશા અમારા હૃદયમાં સ્થાન ધરાવતા રહેશે.