લંડનમાં ભારતીય હાઈ કમિશન સામે ફરી એકઠા થયા ખાલિસ્તાનવાદીઓ, નિજ્જરના સમર્થનમાં કર્યા સૂત્રોચ્ચાર

લંડનમાં ભારતીય હાઈ કમિશન સામે ફરી એકઠા થયા ખાલિસ્તાનવાદીઓ, નિજ્જરના સમર્થનમાં કર્યા સૂત્રોચ્ચાર

લંડનઃ બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ફરી એકવાર ખાલિસ્તાની સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ભારત વિરોધી નારા લગાવ્યા હતા. આ દરમિયાન હાઈ કમિશન પાસે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોએ દાવો કર્યો હતો કે તેઓ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના સમર્થનમાં વિરોધ કરી રહ્યા હતા. ભારતમાં પુરસ્કૃત આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને 18 જૂનના રોજ સરેમાં ગુરુદ્વારાની બહાર કેટલાક માસ્ક પહેરેલા બદમાશોએ ગોળી મારી દીધી હતી. દરમિયાન તાજેતરમાં સ્કોટલેન્ડમાં ભારતીય રાજદ્વારીને ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. આ પછી ગુરુદ્વારા કમિટીની આકરી ટીકા થઈ હતી.

બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને ખાલિસ્તાન સમર્થક ઉગ્રવાદીઓએ સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા. દોરાઈસ્વામી આ અઠવાડિયે સ્કોટલેન્ડના પ્રવાસે હતા. આલ્બર્ટ ડ્રાઇવ ખાતે સ્થિત ‘ગ્લાસગો ગુરુદ્વારા ગુરુ ગ્રંથ સાહિબ’ની આયોજિત મુલાકાત દરમિયાન, શીખ યુથ યુકેના સભ્યો હાઈ કમિશનરની કાર પાસે પહોંચ્યા અને તેમને ત્યાંથી જવાનું કહ્યું હતું. આ મામલે તપાસ ચાલી રહી છે.

ગ્લાસગો ગુરુદ્વારાએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, “ગ્લાસગો ગુરુદ્વારા શીખોના ધર્મસ્થળની શાંતિમાં ભંગ પાડતા આવા બેફામ વર્તનની સખત નિંદા કરે છે. ગુરુદ્વારા તમામ સમુદાયો અને પશ્ચાદભૂના લોકો માટે ખુલ્લું છે અને અમે અમારા આસ્થાના સિદ્ધાંતો અનુસાર તમામનું ખુલ્લેઆમ સ્વાગત કરીએ છીએ.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button