કેનેડામાં ભારતીય દૂતાવાસનો ઘેરાવ થશે! ખાલિસ્તાની સંગઠન SFJએ આપી ખુલ્લી ધમકી

વાનકુવર: ખાલિસ્તાની અલગાવવાદીઓ વર્ષોથી કેનેડાની ધરતી પરથી ભારત વિરોધી પ્રવૃતિઓ ચલાવી રહ્યા છે. અલગાવવાદી સંગઠનો શરણ આપવા બાબતે ભારત અને કેનેડાના સંબંધો વણસ્યા છે. એવામાં પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ(SFJ)એ ભારતને ખુલ્લેઆમ ધમકી આપી છે. ધમકીમાં જણાવવામાં આવ્યું કે કેનેડાના વાનકુવરમાં આવેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસની ઘેરાબંધી કરવામાં આવશે.
શીખ્સ ફોર જસ્ટિસ સંગઠને સોશિયલ મીડિયા પર નોટિસ જાહેર કરી છે. SFJએ કેનેડામાં રહેતા ભારતીયોને 18 સપ્ટેમ્બરના રોજ વાણિજ્ય દૂતાવાસની મુલાકાત ન લેવાનું જણાવ્યું છે. SFJએ ગુરુવારે સ્થાનિક સમય સવારે 8 વાગ્યાથી 12 કલાક માટે વાણિજ્ય દૂતાવાસની ઘેરાબંધી કરવાની જાહેરાત કરી છે. આ ધમકીને બાદ દુતાવાસના કર્મચારીઓની સુરક્ષા જોખમમાં મુકાઈ છે.
ભારત પર લગાવ્યા ગંભીર આરોપ:
SFJએ ફરી આરોપ લગાવ્યો કે કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય ગુપ્તચર સંસ્થાના એજન્ટોનો હતો અને ભારતીય કોન્સ્યુલેટ્સ પર ખાલિસ્તાની રેફરેન્ડમ સમર્થકો સામે જાસૂસી નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે.
આ અધિકારી ટાર્ગેટ પર:
ધમકી ભરેલી નોટિસની સાથે સાથે SFJ એ ભારતના હાઇ કમિશનર દિનેશ પટનાયકનો ફોટો સાથેનું એક પોસ્ટર પણ શેર કર્યું, તેમના ચહેરા પર “ટાર્ગેટ” લખેલું જોવા મળે છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું, “કેનેડામાં ભારતના હિન્દુત્વ આતંકનો નવો ચહેરો.”
કેનેડામાં ખાલિસ્તાનીઓને મળી રહી છે આર્થિક મદદ:
તાજેતરમાં કેનેડિયન સરકારના એક અહેવાલ જણાવવામાં આવ્યું કે ઉગ્રવાદી ખાલિસ્તાની સંગઠનોને કેનેડા સ્થિત વ્યક્તિઓ અને નેટવર્ક્સ તરફથી નાણાકીય સહાય મળી રહી છે. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ SYF જેવા ખાલિસ્તાની સમર્થક સંગઠનોને કેનેડિયન ક્રિમિનલ કોડ હેઠળ આતંકવાદી સંગઠનો જાહેર કરવામાં આવ્યા છે.