કેટી પેરી અને જસ્ટિન ટ્રુડોની મુલાકાત: અફેરની અટકળોએ જોર પકડ્યું!

અમેરિકન ગાયિકા કેટી પેરી અને કેનેડાના પૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો મોન્ટ્રીયલ ખાતેની ડિનર મુલાકાતે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. 28 જુલાઈની રાત્રે બંને એક રેસ્ટોરન્ટમાં સાથે જમતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. આ ઘટનાએ બંનેની ડેટિંગની અફવાઓને વેગ આપ્યો છે.
મીડિયા અહેવાલ મુજબ કેટી પેરી અને જસ્ટિન ટ્રૂડો 28 જુલાઈની રાત્રે મોન્ટ્રીયલના ‘લે વાયલોન’ રેસ્ટોરાંમાં એકસાથે ડિનર કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બંને એકબીજાની સામે બેસીને વાતચીત કરતા દેખાય છે. આ મુલાકાતે ચાહકોમાં ઉત્સુકતા જગાવી છે, કારણ કે બંને તેમના અંગત જીવનમાં તાજેતરના બ્રેકઅપમાંથી પસાર થયા છે.
આપણ વાંચો: Blue Origin રચશે ઈતિહાસ; કેટી પેરી, લોરેન સાંચેઝ મહિલા ક્રૂ સાથે અવકાશ યાત્રા કરશે…
ઉલ્લેખનીય છે કે કેટી પેરીએ તેમના મંગેતર ઓર્લાન્ડો બ્લૂમ સાથે 9 વર્ષના સંબંધ તોડ્યા હતા. જ્યારે બીજી બાજું જસ્ટિન ટ્રૂડો પણ 2023થી તેમની પત્નીથી અલગ રહે છે. બંનેના પાર્ટનર્સ સાથે સંબંધ નવા વણાકને કારણે આ ડિનર મુલાકાતે ડેટિંગ અટકળોને વેગ આપ્યો છે. હાલ કેટી પેરી કેનેડા ટૂર પર છે અને આ મુલાકાત તેનો એક ભાગ હોઈ શકે છે.
આ મુલાકાત દરમિયાન રેસ્ટોરાંમાં બંનેની આસપાસ ઘણા સુરક્ષા ગાર્ડ્સ પણ હાજર હતા, જેઓ સતત નજર રાખતા હતા. આ કડક સુરક્ષા વ્યવસ્થા દર્શાવે છે કે આ મુલાકાત સામાન્ય નહોતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં લોકોમાં બંને વચ્ચેના સંબંધો અંગે ચર્ચાઓ શરૂ થઈ છે, જોકે હજુ સુધી બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.