દિલ્હી બાદ આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સર્જાઈ ખામી, અનેક ફ્લાઇટ પર થઈ અસર

કાઠમંડુ: 24 કલાકમાં બે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ખામી સર્જાવાની ઘટના સામે આવી છે. ગઈકાલે દિલ્હી એરપોર્ટ ખાતે ખામી સર્જાઈ હતી. જેને લઈને વિવિધ એરલાઇન્સની 800થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. ત્યારે આજે નેપાળના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે પણ આવી જ સમસ્યા સર્જાઈ છે.
રનવે લાઇટિંગ સિસ્ટમમાં ખામી
નેપાળની રાજધાની કાઠમંડુ ખાતેના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે એટલે કે 8 નવેમ્બરની સાંજે ખામી સર્જાઈ છે. કાઠમંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (TIA) પર રનવે લાઇટિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે એરપોર્ટ પરથી આવનારી તથા જનારી તમામ ફ્લાઇટ્સ રોકી દેવામાં આવી છે.
આ પણ વાંચો : દિલ્હી એરપોર્ટ પર ATC સિસ્ટમમાં શા માટે ખામી સર્જાઈ? જાણો નવી અપડેટ
એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ 5:30 વાગ્યા (સ્થાનિક સમય)ની આસપાસ આ સમસ્યા જોવા મળી હતી, જેનાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને ફ્લાઇટ કામગીરી ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. TIAના પ્રવક્તા રેન્જી શેરપાએ જણાવ્યું હતું કે, “હાલમાં, ઓછામાં ઓછી પાંચ ફ્લાઇટ્સ રોકી રાખવામાં આવી છે.”
દિલ્હી એરપોર્ટ પર પણ આવી જ સમસ્યા
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આના જેવી જ એક ટેકનિકલ ખામી ભારતની રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI) પર પણ સર્જાઈ હતી. દિલ્હીમાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ખામી સર્જાવાને કારણે ફ્લાઇટ કામગીરી પર ભારે અસર પડી હતી. આ વિક્ષેપને કારણે રાત્રિ દરમિયાન વિવિધ એરલાઇન્સની 800થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી, જેના કારણે મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો.



