‘ગાઝાની વેદના અંગે હું ચૂપ નહીં રહું’ કમલા હેરિસે નેતન્યાહુ પર દબાણ વધાર્યું
વોશિંગ્ટન: ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ(Benjamin Netanyahu) યુનાઈટેડ સ્ટેટ્સની મુલાકાતે છે, તેમણે યુએસ કોંગ્રેસમાં સંબોધન કરતા વધુ હથિયારની માંગ કરી હતી. બીજી તરફ યુએસમાં નેતન્યાહૂનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે (Vice President Kamala Harris) નેતાન્યાહુ પર યુદ્ધ વિરામ માટે દબાણ કર્યું છે. તેમણે કહ્યું કે હું ગાઝાની વેદના અંગે ચૂપ નહીં રહું, આ માટે મેં શપથ લીધા છે. હવે યુદ્ધવિરામ કરારનો સમય આવી ગયો છે. જોકે, કમલા હેરિસે એ પણ કહ્યું કે ઈઝરાયેલને પણ પોતાનો બચાવ કરવાનો અધિકાર છે.
કમલા હેરિસે કહ્યું કે, “આ કરૂણાંતિકા સામે આપણે આંખો બંધ ના કરી શકીએ. તેમની પીડા સામે આપણે વેદના શૂન્ય ન થઇ શકીએ, અને હું ચુપ નહીં રહું. છેલ્લા નવ મહિનામાં ગાઝામાં જે બન્યું છે તે ભયાનક છે. મૃત બાળકોની તસ્વીરો અને ભૂખ્યા લોકો સલામતી માટે બીજી, ત્રીજી કે ચોથી વખત પલાયન કરી રહ્યા છે.”
બેન્જામિન નેતન્યાહુએ ગુરૂવારે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરી હતી અને ગાઝા સંઘર્ષના તણાવ વચ્ચે યુએસ-ઇઝરાયેલ સંબંધો અંગે ચર્ચા કરી હતી. કમલા હેરિસે પણ નેતન્યાહુ સાથે મુલાકાત કરી.
કમલા હેરિસે ઇઝરાયેલને ગાઝામાં વધુ માનવતાવાદી સહાયને પ્રવેશવાની મંજૂરી આપવા અપીલ કરી હતી અને ગાઝામાં નાગરિક જાનહાનિ ટાળવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. કમલા હેરિસે કહ્યું કે “વડાપ્રધાન સાથે માનવીય વેદના અને ગાઝાની સ્થિતિ અંગે મારી ગંભીર ચિંતા વ્યક્ત કરી, જેમાં ઘણા નિર્દોષ નાગરિકોના મૃત્યુનો સમાવેશ થાય છે. મેં ત્યાંની ભયંકર માનવતાવાદી પરિસ્થિતિ વિશે મારી ગંભીર ચિંતા સ્પષ્ટ કરી. “
2020 પછી ચાર વર્ષમાં નેતન્યાહૂની આ પ્રથમ યુએસ મુલાકાત છે. આ દરમિયાન કમલા હેરિસે કહ્યું કે, ઈઝરાયેલને પોતાની રક્ષા કરવાનો અધિકાર છે. પરંતુ એ કેવી રીતે કરે છે તે મહત્વનું છે. હું ચુપ નહીં રહું.
છેલ્લા 9 મહિનાથી ઇઝરાયલી સેના ગાઝામાં સતત હુમલો કરી રહી છે. યુએન સહીત ઘણા દેશો હુમલો રોકવા ઇઝરાયલ દબાણ કરી રહ્યા છે, પરંતુ ઇઝરાયલ સતત તેની અવગણના કરી રહ્યું છે. ઇઝરાયલી હુમલાને કારણે ગાઝામાં 39 હજારથી વધુ લોકોના મોત થયા છે, મૃતકોમાં મોટા ભાગે બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.